શહેરમાં બાંધકામની સાઈટ તેમજ ફેક્ટરીઓમા કામ કરતા શ્રમિકોનો પટકાવાથી અવાર-નવાર મોત નિપજ્યાના બનાવનો પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. આવી ઘટના બનવાનું એક માત્ર કારણ બિલ્ડરો, કોન્ટ્રાકટરો તેમજ ફેક્ટરી સંચાલકો દ્વારા શ્રમિકોની સેફ્ટિને ધ્યાને લેવામાં આવતી નથી જેના કારણે આવા બનાવ વખતો વખત બની રહ્યા છે. એમ છતાં પણ લેબર વિભાગ દ્વારા બેદરકારી દાખવનારાઓ સામે ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી આથી લેબર વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફૂટ રોડ પર ગોવર્ધન ચોક પાસે ખોડિયારનગરમાં રહેતો અને કલરકામની મજૂરી કરતો સુરજ તિલકચંદ પાલ (ઉ.વ.19)નો યુવક બપોરે ચારેક વાગ્યે વગડ ચોકડી પાસે મવડી પાળ રોડ પર આવેલી નિલેશભાઈ મહેતાની ધ ફોર્ટીન બાંધકામ સાઈટ પર ચોથા માળે બાલ્કનીમાં કલરકામ કરતો હતો ત્યારે શરીરનું બેલેન્સ ગુમાવી દેતા નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઇ હતી. બનાવના પગલે અન્ય શ્રમિકો દોડી ગયા હતા અને યુવકને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર યુવક મૂળ યુપીનો રહેવાસી હતો અને બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને બે વર્ષથી રાજકોટમાં રહી કલરકામની મજૂરી કરતો હતો. યુવાનના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આગળની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application