BREAKING NEWS

ઈતિહાસ બોલે છે....વર્ષો પહેલા રાજકોટનો લોકમેળો પૂર્ણ થયે મેદાનમાંથી બે ચાર ટ્રક ભરાય તેટલા બુટ ચપ્પલ નીકળતા

  • August 31, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ વિશેષ આયોજન હાથ ધરીને ત્રિસ્તરીય મેગા પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

વિશેષમાં રાજકોટ લોકમેળામાં સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ અને મ્યુનિ.પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીના જણાવ્યા અનુસાર, મેળા દરમિયાન તા.૨ થી ૬ સપ્ટેમ્બર સુધી ૨૯૦ જેટલા સફાઈ કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરશે. આ ઉપરાંત, મેળો પૂર્ણ થયા બાદ તા.૭ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન પણ ૧૨૦ સફાઈ કર્મચારીઓ સમગ્ર રેસકોર્સ ગ્રાઉન્ડની સઘન સફાઈ કરી તેને પુનઃ સ્વચ્છ અને સુઘડ બનાવી રાજકોટવાસીઓને અર્પણ કરશે.

મેળા દરમિયાન સફાઈ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં કાર્યરત રહેશે. જે અંતર્ગત પ્રથમ શિફ્ટમાં સવારે ૬થી બપોરે ૨ વાગ્યા સુધી ૯૦ સફાઈ કર્મીઓ, બીજી શિફ્ટમાં બપોરે ૨ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ૪૦ સફાઈ કર્મીઓ અને ત્રીજી શિફ્ટમાં રાત્રે ૧૦ થી વહેલી સવારે ૫ વાગ્યા સુધી ૧૬૦ સફાઈ કામદારો કામગીરી સંભાળશે.

મેળા પરિસરમાંથી કચરાના ત્વરિત અને સુચારુ નિકાલ માટે ૨૫ થી ૩૦ મોટી ટીપર વેન તેમજ જેસીબી અને ડમ્પર જેવા વાહનો તૈનાત કરવામાં આવશે, જે કચરો ભરીને રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય ડમ્પિંગ સાઇટ નાકરાવાડી ખાતે પહોંચાડશે.

મુલાકાતીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આઈ.એ.સી.ની ટીમ દ્વારા નાટક અને ગીત-સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે, તેમજ મેળા પરિસરમાં મૂકવામાં આવેલી એલ.ઈ.ડી. સ્ક્રીન મારફતે પણ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષો સુધી રાજકોટનો લોકમેળો પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા મેળાના મેદાનમાં સફાઇ અભિયાન હાથ ધરે ત્યારે ગારામા ખૂંપી ગયેલા બે ચાર ટ્રક ભરાય તેટલા બૂટ ચપલ મળતા હતા ! હવે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત રોજે રોજ મેળાના મેદાન દિવસમાં ત્રણ ત્રણ વખત સફાઇ કરવામાં આવતી હોય અગાઉ જેટલી ગંદકી સર્જાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application