આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન બાળકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. જમતી વખતે પણ બાળકો મોબાઈલમાં વ્યસ્ત રહેતાં હોવાથી પરિવારના સભ્યો વચ્ચે વાતચીત ઘટી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે ઇટાલીના સારડિનિયા ટાપુ પર એક અનોખી પહેલ કરવામાં આવી છે. અહીંની કેટલીક રેસ્ટોરન્ટમાં હવે પરિવારોને જમતી વખતે સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો દૂર રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અભિયાનનો હેતુ બાળકોનો સ્ક્રીન ટાઇમ ઘટાડવા ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે સંવાદ વધારવાનો છે.
અ તાવોલા સેન્ઝા સ્કર્મી એટલે કે સ્ક્રીન વગરનું ભોજન નામની આ પહેલ સારડિનિયાના બાળ અધિકાર લોકપાલ અન્ના કાઉ દ્વારા શરૂ કરવામાં આવી છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, આગામી સપ્તાહથી 15 રેસ્ટોરન્ટમાં એક મહિના માટે પ્રાયોગિક ધોરણે આ કાર્યક્રમ શરૂ થશે. શરૂઆતના અનુભવના આધારે આ પહેલને સ્વૈચ્છિક રીતે અન્ય રેસ્ટોરન્ટ સુધી વિસ્તારવાની યોજના છે.
આ પહેલ હેઠળ ભાગ લેનારી રેસ્ટોરન્ટમાં જમવા આવતા માતા-પિતા અને બાળકોને પોતાનાં મોબાઈલ તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સ્ટાફને સોંપવાનાં રહેશે. તેના બદલામાં તેમને રીયુનિયન કિટ આપવામાં આવશે. ઇટાલિયન ફેડરેશન ઑફ પીડિયાટ્રિશિયન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કિટમાં વિવિધ રમતો અને ચિત્રોનો સમાવેશ થાય છે.
આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ વિશે પરિવાર સાથે વાત કરવા, પોતાના અનુભવો જણાવવા અને એકબીજા સાથે સમય વિતાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આમ, મોબાઈલ પર મનોરંજન મેળવવાને બદલે બાળકો પરિવારના સભ્યો સાથે સીધો સંવાદ કરી શકશે. રેસ્ટોરન્ટમાં જમવા માટે લાગતા સમયને ધ્યાનમાં રાખીને રમતોની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવશે.
અન્ના કાઉના જણાવ્યા મુજબ, આ પહેલમાં રમતો દ્વારા પરિવારના સભ્યો વચ્ચે વાતચીત અને પરસ્પર જોડાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ અભિયાનનો હેતુ માત્ર પ્રતિબંધો લાદવાનો કે બાળકોના સ્ક્રીન ટાઇમ માટે માતા-પિતાને જ જવાબદાર ઠેરવવાનો નથી. પરંતુ બાળકોમાં સ્વસ્થ ટેવો વિકસે તે માટે આસપાસનું વાતાવરણ પણ સહાયક બને તે જરૂરી છે.
સારડિનિયામાં રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ ઇમેન્યુએલ ફ્રોન્જિયાએ જણાવ્યું હતું કે પરિવારો બહાર જમવા આવે ત્યારે તેમને ફરી એકબીજાની નજીક લાવવામાં રેસ્ટોરન્ટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમના મતે, પહેલાં જમતી વખતે પરિવારના સભ્યો વચ્ચે વાતચીત થતી હતી, પરંતુ હવે ઘણા કિસ્સાઓમાં લોકો મોબાઈલમાં વ્યસ્ત રહેતાં ભોજન દરમિયાન મૌન છવાઈ જાય છે.
આ પહેલ દ્વારા બાળકોમાં વધતા સ્ક્રીન ઉપયોગ અંગે જાગૃતિ લાવવાની સાથે પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવવાની ટેવ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો ભવિષ્યમાં વધુ રેસ્ટોરન્ટ પણ તેમાં જોડાઈ શકે છે.