જામનગર ઓશવાળ એજ્યુ.ટ્રસ્ટની મિલકત-પરિસરમાં પ્રવેશની મનાઇનો કોર્ટનો હુકમ
જામનગર ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટની મિલકત અને પરિસરમાં જીનેશ શાહને કોઇપણ ટ્રસ્ટીઓએ પ્રવેશની મંજૂરી આપવી નહીં અને ટ્રસ્ટની કોઇપણ પ્રવૃતિમાં ભાગ લેવા તથા બેંક વ્યવહારમાં સામેલ ન કરવા જિલ્લા અદાલતે આદેશ કરી ટ્રસ્ટના ચેરમેનની તરફેણમાં વચગાળાનો હુકમ કર્યો છે.
જામનગરના ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના ડો.જંયતિલાલ લખમશી હરીયા ટ્રસ્ટના ફાઉન્ડર ડોનર, ફાઉન્ડર ટ્રસ્ટી, ફાઉન્ડર ચેરમેન અને હાલના ચેરમેન હોય તેમણેે પ્રાપ્ત સત્તા અનુસાર તથા ૨૦૨૦માં પસાર કરવામાં આવેલી ટ્રસ્ટની સ્કીમ (બંધારણ) મુજબ, તેમણે ૨૦૨૪માં પોતાની સતાની રૂએ કંચનબેન હરિયાને આજીવન ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે. જેની સામે જાન્યુઆરી ૨૦૨૫માં, રાજકોટ ચેરિટી કમિશનર સમક્ષ કરવામાં આવેલી અરજીમાં કંચનબેનને પક્ષકાર તરીકે જોડ્યા ન હતાં. આથી આ બાબતે કંચનબેનનના વકીલે જામનગર જિલ્લા અદાલતમાં રજૂઆત કરી હતી કે તેણીનોે અપીલ કરવાનો સમયગાળો ચાલુ હોવા છતાં અને કોર્ટમાં કેસ હજુ પેન્ડિંગ હોવા છતાં, જિનેશ ફૂલચંદ શાહને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અયોગ્ય છે. વધુમાં, આ ફેરફાર માટે ચેરિટી કમિશનર સમક્ષ અરજી પણ કરવામાં આવી છે.
આ રજૂઆતો ઘ્યાને લઇ અધિક જિલ્લા ન્યાયાધીશ એક્ઝિબિટ-૫ હેઠળ ગત તા. ૦૬/૧૦/૨૦૨૬ના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના કોઈપણ ટ્રસ્ટીએ જિનેશભાઈ એફ. શાહને ટ્રસ્ટની કોઈપણ મિલકત અથવા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવી નહીં તેમજ ટ્રસ્ટની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેવા કે બેંકના વ્યવહારોમાં સામેલ થવા દેવા નહીં. તમામ ટ્રસ્ટીઓ તથા અધિકારીઓએ વકીલ વી.એચ.કનારા દ્વારા કરવામાં આવેલી રજૂઆતનું પાલન કરવાનું રહેશે. આ હુકમ માત્ર તા. ૦૮/૧૦/૨૦૨૬ના દિવસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ અદાલત દ્વારા આગળનો હુકમ કરવામાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે. વધુમાં જો ટ્રસ્ટ દ્વારા જિનેશભાઈ ફૂલચંદ શાહને નવા ટ્રસ્ટી તરીકે ઉમેરવા માટે સહાયક ચેરિટી કમિશનર, જામનગર સમક્ષ કોઈ અરજી અથવા ચેન્જ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હોય, તો તેવી કોઈપણ કાર્યવાહી અદાલતના આગામી હુકમ સુધી સ્થગિત (સ્ટે) રહેશે. આ હુકમ તા. ૨૭ ઓક્ટોબરના જામનગર ખાતે ખુલ્લી અદાલતમાં નિયમિત સીવીલ અપીલ નં.૯૮/૨૦૨૬ની સુનાવણી દરમ્યાને જાહેર કરવામાં આવ્યો હતો.