રાજકોટ શહેરમાં સ્પામાં ચાલતા ગોરખધંધા સામાન્ય બાબત બની ચૂકી છે પણ હવે આ સ્પામાં સમયાંતરે મારામારીની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ કાલાવડ રોડ પર આવેલ સ્પામાં યુવાનને બેફામ માર્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયાં હતા. જે બાદ આવી વધુ એક ઘટના સામે આવી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલ સ્પામાં બે શખસોએ છરી સાથે ધસી જઈ કર્મચારીઓને ધમકી આપી મોબાઈલ અને સ્પામાં તોડફોડ કરી હતી. વધુમાં મહીલા કર્મચારીને છરી બતાવી ખૂનની ધમકી આપી હતી.
મૂળ પોરબંદરના વતની અને હાલ કોટડાસાંગાણીની આદર્શ સોસાયટીમાં રહેતા જયેશભાઈ ઉપાભાઇ વાઘેલા(ઉ.વ.૩૩) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેતન પરમાર અને એક અજાણ્યા શખસનું નામ આપી જણાવ્યું હતું કે, તે સાધુ વાસવાણી રોડ પર બોડીકેર નામથી સ્પા ચલાવે છે. અહીં સ્પામાં કર્મચારી તરીકે આફતાબ અસલમભાઈ સોલંકી, માહિબેન તથા રેસમાબેન છે. ફરિયાદીના મોટા ભાઈ મુકેશભાઈ મારી ગેરહાજરીમા સ્પાનું કામ સંભાળે છે.
યુવાને જણાવ્યું હતું કે, ગઈ તા. ૨૭/૧૦/૨૦૨૬ ના રાત્રીના સવા દસ વાગ્યે તે સ્પા ખાતે હતો. રીશેસ્પશન ટેબલ પર આફતાબ સોલંકી બેઠા હતા. ત્યારે અચાનક બે વ્યક્તિ સ્પામા આવ્યા હતા. જેમાં એક વ્યક્તિના હાથમા છરી હતી. તે વ્યક્તિએ યુવાન પાસે આવી છરી બતાવી કહ્યું હતું કે, પેલો માણસ ક્યા છે? જેથી યુવાને કહ્યું હતું કે તમે કોનું કહો છો? હુ તેને ઓળખતો નથી. તેમ કહેતા આ વ્યક્તિ ગાળો અને ધમકીઓ આપી હતી. બાદ તે વ્યક્તિએ રીશેસ્પશન ટેબલ પર બેઠેલ આફતાબભાઈને છરી બતાવી ધમકી આપી હતી. લાગેલ હતો. જેથી ડરના કારણે યુવાન સ્પામાંથી નીચે ઉતરી ગયો હતો. થોડીવાર બાદ ઉપર જતાં ત્યારે આફતાબભાઈએ કહેલ કે, બંને શખ્સો તમે નીચે ગયા પછી જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા અને મારી પાસેનો વીવો કંપનીનો ટી વન મોબાઈલ જેની કિંમત રૂ. 15 હજાર તે મોબાઈલ તોડી નાખેલ હતો. બાદ સ્પામાં પણ નાની મોટી તોડફોડ કરી હતી. બાદ બંને શખ્સો સ્પાના અંદરના રૂમમાં જઈ આપણી ત્યા કામ કરતા માહિબેનને છરી બતાવી કહેલ કે, તમે અહિંથી જતા રહેજો નહીંતર મારી નાખીશ. બાદ બંને શખ્સો જતા રહેલ હતા.
યુવાને તેના મોટા ભાઈ મુકેશભાઈને વાત કરી હતી. જે બાદ બંને ભાઈઓએ સીસીટીવી કેમેરા જોતા મુકેશભાઈએ એક શખ્સનું નામ કેતન પરમાર હોવાનું જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, એકાદ માસ પુર્વે હું અહિ સ્પામા બેઠો હતો ત્યારે તે શખ્સે સ્પા ખાતે આવી પોતાનુ નામ કેતન પરમાર જણાવી મારી સાથે ખોટી બોલાચાલી અને ઝઘડો કરતો હોય જેથી મેં તેને સ્પામાથી જતા રહેવાનુ કહેલ હતું. જેનો ખાર રાખી તેણે અજાણ્યા શખ્સ સાથે ધસી આવી ધમાલ મચાવી હતી. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.