BREAKING NEWS

દીવાળીમાં બજારોમાં ખરીદી કરવા માટે જતી મહિલાઓ સાવચેતી રાખે: જાણો DCP હેતલ પટેલે શું કહ્યું?

  • October 29, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી દિવસોમાં મહાપર્વ દીપાવલી પર્વનો પ્રારંભ થનાર છે. દિવાળીના આ તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દિવાળીના તહેવારો પૂર્વે બજારોમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. જેમાં ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની સંખ્યા વધુ હોય છે. ત્યારે ચિલઝડપ સહિતના બનાવો ન બને તે માટે ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ દ્વારા મહિલાઓને બજારમાં ખરીદી કરવા જતી વેળાએ સજાગ રહેવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.


ડીસીપી ઝોન-૧ હેતલ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવાળીના તહેવારોમાં ખરીદી માટે બજારોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટતી હોય છે અને તેમાં ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ખરીદી માટે જતી હોય છે. ત્યારે ખરીદી કરવા જનાર દરેક મહિલા અને યુવતીઓએ સૌ પ્રથમ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાનું વાહન પાર્કિંગમાં જ મૂકવું જેથી ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય અને વાહનની પણ સલામતી રહે. બજારોમાં ભીડનો લાભ લઇ ખીસ્સાકાતરૂ અને ચિલઝડપકાર કિંમતી વસ્તુ સેરવી ન લે તે માટે ખરીદી કરવા જતી વેળાએ શક્ય હોય ત્યાં સુધી કિંમતી સામાન સાથે ન લઈ જવો અને મોટી રોકડ પણ સાથે ન લઈ જવી ઓનલાઇન પેમેન્ટનો આગ્રહ રાખવો જેથી આવા બનાવો અટકાવી શકાય.


ખરીદી દરમિયાન નાના બાળકોને સાથે લઈ જનાર મહિલાઓએ એ બાબતનો ચોક્કસપણે ખ્યાલ રાખો કે, ભીડમાં અને ખરીદીની વ્યસ્તતામાં તમારું બાળક ગુમ ન થઈ જાય જે માટે બાળકો પર ખાસ ધ્યાન આપવું. સાથોસાથ પોલીસે લોકોને એવી પણ અપીલ કરી છે કે, તહેવારો દરમિયાન જાહેર સ્થળોએ કોઈ પણ શંકાસ્પદ થેલી વસ્તુ નજરે પડે તો તેની તપાસ કરવા કરતાં સૌ પ્રથમ પોલીસને જાણ કરવી તેમાં કોઈ વિસ્ફોટક સામગ્રી પણ હોઈ શકે છે.


તહેવારો પર ફરવા જાવ પણ તેના સ્ટેટસ અપલોડ ન કરો: ડીસીપી

ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તહેવારમાં મોટી સંખ્યામાં લોકો અલગ અલગ પ્રવાસન સ્થળોએ ફરવા જતા હોય છે ત્યારે પ્રથમ તો ઘરમાં કોઈ કિંમતી વસ્તુ ન રાખવી રોકડ અને દાગીના શક્ય હોય તો લોકરમાં જ રાખવા આ ઉપરાંત ડીસીપી હેતલ પટેલે એવી પણ અપીલ કરી હતી કે, હાલના દિવસોમાં લોકો સોશિયલ મીડિયા પર સતત વ્યસ્ત રહેતા હોય છે અને પોતાના કરંટ સ્ટેટસ પણ અપલોડ કરતા હોય છે. પરંતુ બહારગામ ફરવા ગયા હોય ત્યારે અહીંના સ્ટેટસ સોશિયલ મીડિયા પર અપલોડ કરવા નહીં કારણ કે સ્ટેટસના આધારે ઘર બંધ હોવાની માહિતી મેળવી ચોરીના બનાવને અંજામ આપ્યાની અગાઉ ઘટના બની ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application