BREAKING NEWS

રાજકોટમાં દિવાલી કાર્નિવલ સાથે સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ; રેસકોર્સ રિંગ રોડે રંગબેરંગી પરેડ અને બાળકો માટે એન્જોય થીમ રેલી યોજાશે

  • October 29, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવાળીના તહેવારને યાદગાર બનાવવા માટે દિવાળી કાર્નિવલ યોજવાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે કાર્નિવલમાં રોશનીની ઝાકમઝોળ ઉપરાંત સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ, લાઇવ બેન્ડ, રંગબેરંગી પરેડ અને બાળકો માટે વિશેષ મનોરંજન સહિતનાં નવાં આકર્ષણો ઉમેરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધનતેરસથી પાંચ દિવસ સુધી કાર્નિવલ યોજવાની વિચારણા ચાલી રહી છે. જોકે, કાર્નિવલની તારીખો અને દિવસો અંગે આવતીકાલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા દ્વારા કાર્નિવલના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અવરોધ ન થાય અને આસપાસના રહેવાસીઓને અગવડ ન પડે તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે. કાર્નિવલ દરમિયાન રિંગ રોડ પર વીજપોલથી વીજપોલ, ડિવાઇડર અને થાંભલાઓ ઉપર આકર્ષક રોશની કરવામાં આવશે. જોકે, રસ્તાની વચ્ચે ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે રોશનીની સજાવટ કે મંડપ ઊભા કરવામાં નહીં આવે. ઉપરાંત રહેણાક વિસ્તારોને ધ્યાનમાં રાખીને જાહેર માર્ગો પર ઘોંઘાટ કરતા ડી.જે. નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ વખતના દિવાળી કાર્નિવલમાં સૌથી મોટું નવું આકર્ષણ સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ રહેશે. રમેશભાઈ પારેખ રંગદર્શન મેદાન ખાતે યોજાનારા આ ફૂડ કાર્નિવલમાં રાજકોટના સ્થાનિક અને જાણીતા આશરે ૩૦ ફૂડ ઓપરેટરોના સ્ટોલ રાખવાનું આયોજન છે. અહીં વિવિધ વાનગીઓની મજા માણવા ઉપરાંત મુલાકાતીઓ માટે લાઇવ બેન્ડ અને ડી.જે.ની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ફૂડ કાર્નિવલનું નામ હજુ અંતિમ કરવામાં આવ્યું નથી.

દિવાળી કાર્નિવલમાં વધુ એક આકર્ષણ તરીકે બે દિવસ વિશેષ કાર્નિવલ પરેડ યોજવાનું આયોજન છે. વિવિધ થીમ અને સામાજિક સંદેશાઓ સાથે પાંચથી છ જેટલા આકર્ષક ફ્લોટ પરેડમાં જોડાશે. આ પરેડ દ્વારા મનોરંજનની સાથે જનજાગૃતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

બાળકોને ધ્યાનમાં રાખીને પણ બે દિવસ વિશેષ એન્જોય થીમ આધારિત રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલીમાં વિવિધ આકર્ષક કેરેક્ટરો જોવા મળશે, જે બાળકો માટે મનોરંજનનું કેન્દ્ર બનશે.

આમ, આ વખતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલને માત્ર રોશનીના શણગાર પૂરતો મર્યાદિત રાખવાને બદલે સમગ્ર પરિવાર માણી શકે તેવા ઉત્સવનું સ્વરૂપ આપવાની તૈયારી ચાલી રહી છે. જોકે, પાંચ દિવસના આયોજન અંગેનો આખરી નિર્ણય આવતીકાલે લેવાયા બાદ કાર્નિવલનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application