BREAKING NEWS

ગોંડલમાં યુવાનને પટ્ટાથી બેફામ માર્યો, પછી નદીના પાળે ઉંધો લટકાવી માફી મગાવી

  • October 21, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના રણછોડનગરમાં રહેતા યુવાનને મહિલા મિત્રના ધરાર પ્રેમીએ પટ્ટા વડે બેફામ માર મારી હત્યાના ઇરાદે નદીના પાળે ઉંધો લટકાવી છરીની અણીએ માફી મગાવી વીડિયો ઉતાર્યો હતો. જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. જે અંગે ચાર શખસો સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


ગોંડલના લાલપુલ પાસે રણછોડનગર શેરી નં.-1 માં રહેતા બ્રિજેશ કમલેશભાઈ જેઠવા(ઉ.વ.૧૯) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગૌતમ મહેન્દ્ર વાઘેલા, મિલન ભનુ ઝાલા, સ્મિત ઉર્ફે રાજા હરસુખ પરમાર અને રોનક જયેશ પરમારનું નામ આપ્યું છે. યુવાને ફરીયાદમાં જણાવ્યું હતું કે, એક મહીના પહેલા તેની મહિલા મિત્રને ગૌતમ વાઘેલા સંબંધ રાખવા માટે વોટસએપમાં મેસેજ કરતો હોય અને શેરીમાં આંટાફેરા કરતો હોય જેથી તેની ફ્રેન્ડે આ બાબતે યુવાનને કહ્યું હતું કે, હું તેની સાથે સબંધ રાખવા માંગતી નથી એટલે તેને તમે કહી દો કે, મને મેસેજ ના કરે કે અમારી શેરીમાં આંટાફેરા ન કરે તેમ કહી યુવાનને ગૌતમનો મોબાઈલ નંબર આપ્યો હતો. પરંતુ યુવાને ગૌતમને ફોન કર્યો ન હતો. બાદ ગૌતમએ મોબાઇલ નંબર કયાંકથી મેળવી યુવાનને ફોન કરી કોલેજ ચોકમા મળવા બોલાવ્યો હતો પણ યુવાન મળવા ગયો ન હતો.


ગઇ તા.૧૯/૧૦/૨૦૨૬ ના બપોરના આશરે એક વાગ્યે યુવાન તથા તેના પાડોશમાં રહેતો મીત્ર વત્સલ જોષી એકટીવા લઇને ગોંડલ ખાતે ગોંડલી નદીના કાંઠે આવેલ મેલડીમાંના મંદીરે સાફ સફાઈ કરવા ગયા હતા. દરમિયાન બપોરે બે વાગ્યે એક એકટીવા તથા એક એકસેસ વાહનમાં ગૌતમ મહેન્દ્રભાઈ વાઘેલા, મીલન ભનુભાઈ ઝાલા, સ્મીત ઉર્ફે રાજા હરસુખભાઈ પરમાર તથા રોનક જયેશભાઈ પરમાર ધસી આવ્યા હતા.


બાદમાં મયંક, સ્મીત યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ગૌતમ વાઘેલા તથા મીલન ઝાલાએ કમરના પટ્ટા કાઢી યુવાનને મારમાર્યો હતો. દરમિયાન યુવાનનો મીત્ર વત્સલ જોષી બચાવવા વચ્ચે પડતા તેને પણ ઇજા થઇ હતી. સ્મીત ઉર્ફે રાજા પરમારએ યુવાનને છરી બતાવી યુવાન પાસે તમારા સમાજ વિશે ખરાબ બોલ્યો હતો અને છોકરી બાબતે ઝઘડો કરાવ્યો હતો એટલે મને માર મારેલ છે તેમ બોલાવી તેનો વીડિયો સ્મીતના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધેલ હતો. બાદ ચારેય શખસોએ યુવાનના પગ પકડી મારી નાખવાના ઇરાદે નદીના કાંઠે પાળા પર ઉંધો લટકાવી દઈ કહેવા લાગ્યો હતો કે, આજે તો તને પાણીમાં ડુબાડી મારી જ નાખવો છે અને તુ ક્યાંય પોલીસ કેશ કરવા જાઇશ તો અમે તને જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી હતી. બાદમાં ચારેય શખ્સો નાસી ગયા હતા.


બાદ યુવાનને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી ચારેય શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application