શહેર નજીકના અકવાડા ગામનો શખ્સ યુવતીને ફોન અને વોટ્સએપ ચેટ કરતો હોય જે બાબતે તેને ઠપકો આપવા જતા શખ્સ સહિત ચારએ ઉશ્કેરાઈ ભરતનગર વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા યુવાનને છરીના જીવલેણ ઘા ઝીંકી દેતા તેને તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ભરતનગર પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કિશોર સહિત અધેવાડાના ત્રણને ઝડપી લીધા હતા.
હત્યાની ઘટના અંગે શહેરના ઘોધારોડ વિસ્તારના મોટા શિતળામાતાના મંદિર પાછળ રહેતા દિલીપભાઈ રમેશભાઈ ડાભીએ ઘોઘારોડ પોલીસ મથકમાં રાહુલ ધીરાભાઈ સોલંકી (રે. નાથીયા તળાવની બાજુમાં, અકવાડા), અલ્પેશ ધીરાભાઈ સોલંકી (રે. નાથીયા તળાવની બાજુમાં, જત વિસ્તાર, અકવાડા), સુરેશ ઉર્ફે પુધી સોલંકી (રે. અકવાડા) અને કાયદાના સંધર્ષમાં આવેલા એક કિશોર સામે એવી ફરીયાદ નોંધાવી હતી કે, તેના મામા દિનેશભાઈ હરભીમભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૦, રે. પધાનમંત્રી આવાસ યોજના, ભરતનગર, ભાવનગર)ના મિત્ર નિતીનભાઈ રમેશભાઈ ચુડાસમા (રે. રામદેવ નગર)ના સબંધીની પુત્રી સાથે અલ્પેશ સોલંકી સોશિયલ મીડિયામાં વાતચીત કરતો હોય અને વોટ્સએપ ચેટ કરતો હોય જે બાબતે તેઓ, અને મામા દિનેશભાઈ, નિતીનભાઈ, કલ્પેશભાઈ ચૌહાણ, અમીતભાઈ અલ્પેશના ઘરે જઈ તેને ઠપકો આપતા હતા. ત્યારે ઝપાઝપી કરી તેના મામાને ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે કલ્પેશભાઈને છરી મારવા જતા તેઓએ હાથમાં પકડી લેતા તેના હાથના ભાગે ઈજા પહોંચી હતી. દરમિયાન તેઓના મામા દિનેશભાઈ ચૌહાણને ભાવનગર સર.ટી. હોસ્પિટલ સારવારમાં ખસેડાતા ટુંકી સારવાર દરમિયાન દિનેશભાઈનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો.
દિલીપભાઈએ નોંધાવેલી ફરીયાદના આધારે ઘોઘારોડ પોલીસે બીએનએસ એક્ટ ૧૦૯(૧), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૫૪, તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી રાહુલ ધીરાભાઈ સોલંકી, અલ્પેશ ધીરાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે યુથી સોલંકી અને કાયદાના સંધર્ષમાં આવેલા કિશોરને ઝડપી લીધા હતા.