BREAKING NEWS

જામનગરમાં આજે ઇદ-ઉલ-અઝહાની શાનદાર ઉજવણી: મુસ્લિમ બિરાદરોએ અદા કરી નમાઝ

  • May 28, 2026 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આજે ઇદ-ઉલ-અઝહાની શાનદાર ઉજવણી: મુસ્લિમ બિરાદરોએ અદા કરી નમાઝ

ઇદગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો થયા એકત્રિત, જુદી-જુદી મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી: સંખ્યાબંધ ઘરોમાં કરવામાં આવી કુરબાની: એક-મેકને મુબારકબાદી પાઠવવામાં આવી

આજે જામનગર સહિત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ- ઉલ-અઝહાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, ઇદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા અને ઈદની નમાઝ અદા કરીને ખુત્બો સાંભળ્યો હતો, જુદા જુદા સ્થળે આગેવાનો દ્વારા ઈદ મિલન ના કાર્યક્રમો યોજાયા હતા જેમાં હિંદુ ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકબાદી પાઠવી હતી, ઉત્સાહપૂર્વક  ઉજવણી કરવામાં આવી હતી, સંખ્યાબંધ ઘરોમાં કુરબાની પણ કરવામાં આવી હતી.

પવિત્ર માસ જીલહજની ૧૦ તારીખે પરંપરાગત રીતે ઈદની ઉજવણી કરવામાં આવે છે, આજના દિવસે હજ પૂર્ણ થાય છે, અને હાજીઓ દ્વારા કુરબાની કરવામાં આવે છે આ સાથે જ વિશ્વભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પોતાની તાકાત મુજબ કુરબાની પણ આપવામાં આવે છે.

આટલા દિવસે ખાસ કરીને ગરીબ લોકોને કપડાં, ભોજન વગેરે ખાસ આપવામાં આવે છે કોઈ પણ ગરીબ પોતાના ઘરમાં આજના દિવસે ભૂખ્યા રહે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે.

જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રમાં અને અમદાવાદ વડોદરા સુરત સહિતના ગુજરાત ભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી છે, વહેલી સવારે જુદી જુદી મસ્જિદોમાં સવારના ૬:૩૦ કલાકથી ઈદ ની નમાજ શરૂ થઈ હતી, અલગ અલગ સમયે રાખવામાં આવ્યા હતા, જ્યારે ઈદગાહ ખાતે સવારના ૯-૦૦ કલાકનો સમય રાખવામાં આવ્યો હતો જેથી કરીને બધા લોકો નમાઝ અદા કરી શકે.

ઈદની નમાઝ બાદ મુસ્લિમ ભાઈઓએ જુદા જુદા કબ્રસ્તાનમાં જઈને મર્હુમો માટે ખાસ દુઆ કરી હતી, બપોર સુધી આ સિલસિલો ચાલ્યો હતો અને ત્યારબાદ મુસ્લિમ ભાઈ એકબીજાના ઘરે જઈને મુબારકબાદી પાઠવી હતી, ભાવતા ભોજનીયા કર્યા હતા અને ખાસ કરીને શીર ખોરમાની જીયાફત માણી હતી, ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઈદની ઉજવણી થઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application