જામનગરમાં આગામી ૨૪ નવેમ્બરે યોજાશે ભવ્ય ‘પૃથ્વી પરિક્રમા’
શ્રી ૫ નવતનપુરી ધામખીજડા મંદિરના સ્થાપના દિવસે જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં સુંદરસાથજી પદયાત્રા કરશે
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના પ્રમુખ તીર્થધામ એવા જામનગર સ્થિત શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે આગામી તારીખ ૨૪ નવેમ્બર, ૨૦૨૬ મંગળવાર અને કારતક સુદ પૂનમના પાવન દિવસે પરંપરાગત ‘પૃથ્વી પરિક્રમા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની પાવન નિશ્રામાં આ ભવ્ય પૃથ્વી પરિક્રમા (પ્રભાત ફેરી) યાત્રા યોજાશે.
આગામી ૨૪ નવેમ્બરે મંગળવારે સવારે ૬:૦૦ કલાકે શ્રી ૫ નવતનપુરી ધામથી ધર્મની ધ્વજા સાથે પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ થશે. પદયાત્રીઓ ભજન-કીર્તન, ધૂન અને મહેર સાગરના ગાન સાથે મૂળમિલાવા (જ્યાં ૧૨,૦૦૦ પારાયણ સંપન્ન થયા હતા) ખાતે પહોંચશે. ત્યાં પૂજન, આરતી, મહેર સાગરના પાઠ અને સત્સંગનું આયોજન કરાયું છે. ત્યારબાદ પદયાત્રીઓ માટે ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકોને પરત નગરપાલિકાની બસ તેમજ અન્ય વાહનો મારફતે પરત ફરશે.
પૃથ્વી પરિક્રમાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ:
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, કારતક સુદ પૂર્ણિમાના રોજ ભગવાન ગણેશજીએ પોતાના માતા-પિતા શિવજી અને પાર્વતીજીની પરિક્રમા કરી હતી, જેને શાસ્ત્રોમાં સમગ્ર પૃથ્વીની પરિક્રમા સમાન ગણવામાં આવી છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વતની પૂજા અને પરિક્રમા તેમજ નર્મદા પરિક્રમાનું પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરું માહાત્મ્ય છે. બુંદેલ નરેશ મહારાજા છત્રસાલે પણ જણાવ્યું છે કે, પરિક્રમા કરવાથી જીવના કર્મબંધન છૂટી જાય છે.
મહામતિ શ્રી પ્રાણનાથજીએ શ્રી ૫ નવતનપુરી ધામને ચૌદલોકમાં શ્રેષ્ઠ સ્થાન ગણાવ્યું છે. વીતકકાર-બ્રહ્મમુનિ પરમહંસજનોના મતે, અહીં સ્વયં શ્રી રાજશ્યામાજી બિરાજે છે અને પરમધામ, વ્રજ, રાસ તથા જાગણીની તમામ લીલાઓ અહીં પ્રગટ રૂપે છે. કારતક સુદ પૂનમ એ શ્રી 5 નવતનપુરીધામનો સ્થાપના દિવસ હોવાથી, આ દિવસે પરિક્રમા કરવાથી સમગ્ર પૃથ્વી જ નહીં પરંતુ પરમધામ સુધીના દર્શન અને પરિક્રમાનું એકસાથે ફળ પ્રાપ્ત થાય છે. આ મહત્ત્વપૂર્ણ પ્રસંગનો લાભ લેવા જામનગર તેમજ આસપાસના સુંદરસાથજી ભાવિકોને જોડાવા અનુરોધ કરાયો હોવાનું કિંજલભાઈ કારસરીયાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application