BREAKING NEWS

રાત્રે સિંહણે બાઇક પર જતા બે યુવકોને પાડી હુમલો કર્યો, સવારે બીજી બે વ્યક્તિને લોહીલુહાણ કરી, અમરેલીના વડિયા પંથકમાં ફફડાટ

  • October 02, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામ નજીક સિંહણનો આતંક સામે આવ્યો છે, જ્યાં ગતરાત્રે અને વહેલી સવારે થયેલા અલગ-અલગ હુમલામાં કુલ 4 વ્યક્તિઓ સિંહણના હુમલાનો ભોગ બન્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.


ઘટનાની વિગતો અનુસાર, ૧ ઓક્ટોબરની રાત્રે આશરે ૧૨ વાગ્યાના સુમારે તોરી ગામના મેહુલભાઈ મનુભાઈ વાજા અને ભગીરથભાઈ ગભરુભાઈ બસિયા અરજણસુખ ગામમાં પાંચેમનો પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. અરજણસુખ ગામથી પાટિયા વચ્ચેના રસ્તા પર અચાનક સિંહણે તેમની પર હુમલો કરતા બાઇક નીચે પડી ગયું હતું. આ હુમલામાં એક યુવકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


રાત્રિની આ ઘટના બાદ અરજણસુખની સીમ વિસ્તારમાં સિંહણે વધુ બે લોકો પર હુમલો કર્યો હતો. ખેડૂત અતુલભાઈએ જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે સિંહણ કપાસમાંથી અચાનક દોડીને આવીને તેમની પર તૂટી પડી હતી. સિંહણ લોકોને જોઈને સતત હુમલો કરવા દોડી રહી હોવાથી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ છે. અતુલભાઈએ ઉમેર્યું કે આ સિંહણના હુમલાનો ભોગ બનનાર તેઓ ચોથા વ્યક્તિ છે, અને ચારેય પર હુમલો કરનાર એક જ સિંહણ છે.


ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગનો મોટો કાફલો અને ડોક્ટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વન વિભાગના ACF રાજન જાદવ સહિતની ટીમ રાતથી જ સિંહણના સગડ મેળવીને સ્કેનિંગ અને તપાસની કામગીરી કરી રહી છે. સિંહણને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સરપંચ કાળુભાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા ૩-४ વર્ષથી વન્યપ્રાણીઓનો ત્રાસ વધી ગયો છે. ખેતીની મુખ્ય મોસમ ચાલી રહી હોવાથી મજૂરો અને ખેડૂતો ડરના માર્યા કામ છોડીને ભાગી રહ્યા છે, જેથી આ હિંસક સિંહણને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application