રાજકોટમાં શહિદ ઉદ્યમસિંહ ટાઉનશીપમાં સોમવારના રોજ અઢી વર્ષની બાળકીની છઠ્ઠા માળેથી ફેંકી હત્યા કોણે કરી ? એ ભેદભરમ સર્જતી ચકચારી ઘટનાની પોલીસે કડીઓ મેળવી અંતે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ દિવસથી બાળકીની માતા, પિતા, પડોશીઓ સહિતની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ ચાલી રહી હતી જેમાં બાળકીની માતા જ હત્યારી નીકળી હોવાનું પોલીસની તપાસમાં ખુલતા તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સમક્ષ નિવેદનમાં જે સ્ટોરી ઉભી કરી હતી તેના ઉપર પોલીસે શંકા દાખવી હતી. સગ્ગી દીકરીની હત્યા કરવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પુછપરછ હાથ ધરી છે.
ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ શહિદ ઉદ્યમસિંહ ટાઉનશીપસી-વિંગમાં પાંચમા માળે ફલેટ નં. ૫૦૪માં રહેતાં જગદીશભાઈ બાબુભાઈ પરસોડાની અઢી વર્ષની દોહીત્રી સ્નેહલ સંજયભાઈ સાકરીયાનું સોમવારે છઠા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવના પગલે બાળકી જ્યાંથી નીચે પડી તે જગ્યાએ ચારેક ફુટ જેવી ઉંચી દિવાલ છે, આ દિવાલ પર માસુમ બાળકી કોઇ કાળે જાતે ચડી શકે નહિ.
આ જોતાં તેણીને કોઇએ ઉંચકીને ફેંકી દીધાની દ્રઢ શંકા નાના જગદીશભાઇએ દર્શાવી હતી આ ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અમારી વિંગમાં કોઈ વિકૃત વ્યક્તિ સુકવેલા કપડાં અને ઘરની બહાર રાખેલા ચપ્પલ બધું ઉપાડીને બાજુના પ્લોટમાં નાખી દે છે, આ બનાવ બન્યો તેની પહેલા પણ પડોશીના છોડના કુંડા કોઈએ નીચે ફેંકી દીધા હતા. આમ જુદી જુદી શંકાઓના આધારે બી-ડિવીઝન પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બાળકીની માતા અને પિતા વચ્ચે મનમેળ ન હોવાથી છેલ્લા એકાદ વર્ષથી માતા-પુત્રી શહીદ ઉદ્યમસિંહ ટાઉનશીપમાં રહેતા પિતા જગદીશભાઈ પરસોડાના ઘરે રહેતી હતી.
ઘટના બની એ સ્થળ કે આસપાસમાં સીસીટીવી પણ ન હોવાથી પોલીસ માટે ભેદ ઉકેલવો પણ એક પડકાર હતો. પોલીસે બાળકીની માતા, નાના, મામા, તેના પિતા અને પડોશીઓના નિવેદન નોંધી અલગ અલગ એંગલથી પુછપરછ હાથ ધરી હતી અને કેટલીક શંકાઓના આધારે કડીઓ પણ જોડાઈ રહી હતી. દરમિયાન બાળકીની માતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જે સ્ટોરી ઉભી કરી હતી તેની સાથે કોઈ સાથે અફેર હોવાનું પણ પોલીસને જાણવા મળતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે ખુદ જનેતાએ માસુમ ફૂલ જેવી દીકરી ક્યાંક કાંટો બનતી હોય તેને નીચે ફેંકી દીધી હોવાની સનસનાટી ભરી હકીકર બહાર આવતા પરિવાર પણ સ્તબ્ધ થયો હતો. પોલીસે માતા પૂનમ સંજયભાઈ સાકરિયાની અટકાયત કરી હત્યાનું સચોટ કારણ જાણવા વધુ પુછપરછ હાથ ધરી છે.
પતિ ઉપર આક્ષેપ કર્યા
પુત્રીનું મોત થતા માતા પૂનમે મગર આંસુઓ વહાવી પતિ સંજય ઉપર આક્ષેપ કરી પોલીસને કહ્યું હતું કે, પતિને નશાની ટેવ હોવાથી અવાર નવાર મારકૂટ કરતો હતો આથી હું દીકરીને લઈને પિતાના ઘરે આવી ગઈ હતી. દીકરીને પણ પતિએ જ નશાની હાલતમાં આવી મારી નાખી હોવાનું કહ્યું હતું પરંતુ પોલીસની ઉલટ તપાસમાં પતિ વર્ષ 2025ના ડિસેમ્બર માસમાં ઘરે આવ્યો હતો ત્યારે ઝગડો કરતો હોય સસરાએ ફડાકા મારી કાઢી મુક્યો હતો જે બાદ ક્યારેય પતિ સંજય ઘરે આવ્યો જ ન હોવાનું ખુલતા પોલીસની શંકા પૂનમ ઉપર સાચી ઠરી હતી. અને પોતે દીકરીને નીચે ફેંકી દઈ ડોળ કરતી હતી.