જામનગરમાં રક્ષાબંધન પર્વે બહેનો દ્વારા ‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાન અંતર્ગત જવાનોને રાખડી બાંધવામાં આવી
જામનગરમાં રક્ષાબંધન પર્વે બહેનો દ્વારા ‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાન અંતર્ગત જવાનોને રાખડી બાંધવામાં આવી
August 28, 2026 11:14 AM
જામનગરમાં રક્ષાબંધન પર્વે બહેનો દ્વારા ‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાન અંતર્ગત જવાનોને રાખડી બાંધવામાં આવી
દેશની સરહદે ફરજ બજાવતા જવાનો પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવા સતત અગિયાર વર્ષોથી અનોખી પહેલ
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશની સરહદે રહીને દેશની રક્ષા માટે ફરજ બજાવતા જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે જામનગરમાં મહિલા અગ્રણી તથા પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન જગત રાવલ અને ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ દ્વારા ‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત જામનગર ખાતે જવાનોને તેમજ માજી સેનિકોને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જવાનોને તિલક કરી રાખડી બાંધી તેમના પ્રત્યે ભાઈ સમાન લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. દેશની સુરક્ષા માટે પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા સૈનિકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી તેમને દેશવાસીઓના પ્રેમ અને શુભેચ્છાઓનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો.
ડિમ્પલબેન જગત રાવલે જણાવ્યું હતું કે, રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો તહેવાર નથી, પરંતુ દેશની રક્ષા માટે સરહદે ફરજ બજાવતા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ અવસર છે. દેશની સરહદની રક્ષા કરતા જવાનો પોતાના પરિવારથી દૂર રહીને દેશવાસીઓની સુરક્ષા માટે સતત ફરજ બજાવે છે. તેથી રક્ષાબંધનના પવિત્ર દિવસે તેમને રાખડી બાંધી ભાઈ તરીકેનું સન્માન આપવાનો આ નાનકડો પ્રયાસ છે.જેમાં તેમને હાલાર માજી સેનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા અને માજી સેનિકોનો સહકાર મળી રહે છે.
‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાન છેલ્લા અગિયાર વર્ષોથી જામનગરમાં યોજાઈ રહ્યું છે. આ વર્ષે પણ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. જામનગરની બહેનો ઉપરાંત વિવિધ મહિલા સંસ્થાઓ તથા સામાજિક સંસ્થાઓને હાલાર માજી સેનિક મંડળ, ભારત તિબબત સંઘ મહિલા વિભાગના બહેનોને કોલેજની વિદ્યાર્થીનીઓ પણ અભિયાન સાથે જોડવામાં આવી હતી. બહેનો દ્વારા મોકલવામાં આવેલી રાખડીઓ દેશની સરહદે ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમજ માજી સેનિકોને પણ રાખડી બાંધવામાં આવી હતી.
અભિયાનનો મુખ્ય હેતુ દેશના સૈનિકોને એ અહેસાસ કરાવવાનો છે કે તેઓ દેશની સરહદ પર ફરજ બજાવતા હોય ત્યારે પણ દેશની કરોડો બહેનોની લાગણી અને શુભેચ્છાઓ હંમેશા તેમની સાથે છે. આ અભિયાનમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈને દેશના જવાનો માટે રાખડીઓ મોકલી હતી.
આ પ્રસંગે રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ સાથે દેશના જવાનોના શૌર્ય, સાહસ અને દેશસેવાને નમન કરવામાં આવ્યું હતું. તેમજ આગામી વર્ષોમાં પણ આ અભિયાનને વધુ વ્યાપક બનાવી વધુને વધુ બહેનો અને મહિલા સંસ્થાઓને જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.