BREAKING NEWS

ભાડુઆતે ભારે કરી: ભાડુ ન ચૂકવ્યું ઉલ્ટુ ઘરમાં તોડફોડ કરી, ફુવારા-નળ ચોરી કરી લઇ ગયો

  • July 31, 2026 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રામેશ્વર પાર્કમાં મહિલાના મકાનમાં રહેતા ભાડુઆતે બે મહિનાનું ભાડુ, લાઇટ- ગેસ ન ચૂકવી ઉલ્ટુ મકાનમાં તોડફોડ કરી રૂ.૭૦ હજારનું નુકશાન કરી અહીંથી ફુવારા, નળ સહિતનો સામાન ચોરી કરી ગયો હતો. જે અંગે મહિલાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


કુવાડવા રોડ પર શહીદ ઉધમસિંહ ટાઉનશીપ બ્લોક નંબર 206 માં રહેતા માલતીબેન સંજયભાઈ ચૌહાણ (ઉ.વ.45) નામના મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિકુલ ભરતભાઈ ચાંડેગરાનું નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પ્રાઇવેટ નોકરી કરે છે અને પતિ તથા પુત્રી સાથે રહે છે. તેમની માલિકીનું એક મકાન રામેશ્વર પાર્કમાં રામેશ્વર હાઈટ બ્લોક નંબર 307 રાજલક્ષ્મી સોસાયટી પાસે મોરબી રોડ પાસે આવેલું છે. આ મકાન એપ્રિલ 2026 માં નિકુલ ચાંડેગરાને માસિક રૂ. 8,000 ના ભાડા પેટે રહેવા માટે આપ્યું હતું અને ભાડા કરાર કરવાનું નક્કી કર્યું હતું.


થોડા દિવસ બાદ નિકુલને ભાડા કરાર કરવાનું કહેતા તે કોઈને કોઈ બહાના બતાવી કરાર કરવા માટે આવતો ન હતો. તેના થોડા દિવસ પછી સોસાયટીના સભ્યનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે, તમારા ભાડુઆત સોસાયટીનું મેન્ટેનન્સ નથી આપતા અને બધા સોસાયટીના માણસો સાથે ઝઘડા કરે છે. જેથી મહિલા પોતાના મકાને નિકુલભાઇને મળવા માટે જતા ઘરમાં પુષ્કળ ગંદકી જોવા મળી હતી અને નિકુલને કહ્યું હતું કે, તમને હું ઘણા દિવસોથી ભાડા કરાર કરવાનું કહું છું છતાં તમે મને કોઈ સરખો જવાબ આપતા નથી અને મેન્ટેનન્સ પણ ભરતા નથી અને અહીંના લોકો સાથે ઝઘડા પણ કરો છો તેમ કહેતા નિકુલ બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી મહિલાએ તેને મકાન ખાલી કરવાનું કહ્યું બે મહિનાનું બાકી ભાડું આપવાનું કહેતા નિકુલે થોડા દિવસમાં મકાન ખાલી કરી દેવાનું કહ્યું હતું અને ભાડું પણ ત્યારે આપશે તેવી વાત કરી હતી.


ગત મહિને નિકુલ પેડક રોડ પર ભેગો થતા મહિલાએ તેને મકાન ખાલી કરવાનું અને ભાડું આપવાનું કહેતા તેણે કહ્યું હતું કે, તમારું મકાન ખાલી નથી કરવાનો અને ભાડું પણ નહીં આપવું તમારાથી થાય તે કરી લેજો જો પોલીસ ફરિયાદ કરશો તો હું જાનથી મારી નાખીશ કહી ગાળો આપી હતી. બાદમાં મહિલા અહીંથી જતા રહ્યા હતા. ગઈ તારીખ 22/5/2026 ના નિકુલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારું મકાન મેં ખાલી કરી દીધું છે અને ભાડું માંગતા નહીં ભાડું નહીં મળે તેમ કહી ફોન કટ કરી દીધો હતો.


બાદમાં મહિલાએ અહીં મકાને જઈ જોતા અંદર ગ્રાઉન્ડ વાયરીંગ તથા સ્લાઇડર બારી તૂટેલી હતી બાથરૂમનો દરવાજો તથા લાદી પણ તૂટેલી હાલતમાં હતી. બાથરૂમમાં પાણીના ત્રણ ફુવારા તથા ઘરમાં રહેલ સાત પાણીના નળ જોવા મળ્યા ન હતા. જેથી નિકુલને ફોન કરી પૂછતા તેણે કહ્યું હતું કે મેં તમારા મકાનમાં તોડફોડ કરી છે અને બાથરૂમના ત્રણ તથા અન્ય જગ્યાએ લગાવેલા સાત નળ હું જ ખોલીને લઈ ગયો છું તમારાથી થાય તે કરી લો. તેમ કહી ફોન કટ કરી દીધો હતો. મહિલાએ મકાનનો લાઈટ બિલ તથા ગેસ બિલ ચેક કરતા નિકુલે બે મહિનાથી બંને બિલ ભર્યા ન હતા. આમ ભાડુઆતે મકાન માલિકને બાકી ભાડું ન ચૂકવી જાનથી મારી નાખવાની ધમકી આપી મકાનમાં તોડફોડ કરી રૂ. 70,000 નુકસાન કર્યા ઉપરાંત ફુવારા તથા નળ કિ.રૂ. 3700 ના સામાનની ચોરી કરી લઈ જતા આ અંગે મહિલાએ ભાડુઆત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News