જામનગર જિલ્લામાં ૧૧ દિ’થી આધાર કેન્દ્રો નિરાધાર
દેકારો: શહેરમાં મહેસૂલ સેવા સદન અને મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ
એજન્સી અને કોન્ટ્રાકટ કર્મીઓને પાંચ-પાંચ મહીનાથી પગાર ન મળતાં સમસ્યા, ફરિયાદ કરવી તો કયાં કરવી કોઇ સાંભળતું નથી લોકોની હૈયાવરાળ
જામનગર શહેર-જિલ્લાના જનસેવા કેન્દ્વોમાં આધારકાર્ડની ઠપ્પ થયેલી કામગીરી ૧૧માં દીવસેે પણ બંધ હોય અરજદારો જાયે તો જાયે કહાંની સ્થિતિમાં મૂકાતા ભારે દેકારા સાથે રોષની લાગણી ફેલાઇ છે. કોન્ટ્રાકટ કર્મીઓને પાંચ-પાંચ મહીનાથી પગાર ન મળતાં અને એજન્સીઓને પણ નાણાં ચૂકવવામાં ન આવતા આધારકાર્ડની મહત્વની કામગીરી બંધ થતાં અરજદારો બેેહાલ બન્યા છે. લોકોને ધરમના ધકકા થતાં સમય અને નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે. નવા આધારકાર્ડ ન નીકળતા અને સુધારા ન થતાં મહત્વની કામગીરી ખોરંભે ચડતા ફરિયાદ કરવી તો કયાં કરવી કોઇ સાંભળતું નથી તેવી હૈયાવરાળ પણ લોકોએ વ્યકત કરી છે.
જામનગર શહેર-જિલ્લામાં જુદી-જુદી સરકારી કચેરીમાં કાર્યરત જનસેવા કેન્દ્વોમાં આધારકાર્ડની કામગીરી કરવામાં આવે છે.
તદઉપરાંત જુદી-જુદી બેંકો, પોસ્ટઓફીસ સહીતના સ્થળો પર પણ આધારકાર્ડની કામગીરી થઇ રહી છે. હાલમાં બેંક કે અન્ય કોઇ કામગીરીમાં કેવાયસી તથા આવક સહીત અન્ય દાખલા, સરકારી યોજનાના લાભ મેળવવા માટે અરજીઓ, બાળકોને શાળા પ્રવેશ સહીતની અગત્યની કામગીરીમાં આધારકાર્ડ ફરજીયાત છે. આમ છતાં મહીનાની શરૂઆતથી એટલે કે ૧ જૂનથી શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં તથા તાલુકાકક્ષાએ મામલતદાર કચેરીમાં કાર્યરત જન સેવા કેન્દ્વોમાં આધારકાર્ડની કામગીરી બંધ છે.
નવાઇની વાત એ છે કે, આધારકાર્ડની કામગીરી કોઇ ટેકનીકલ ક્ષતિના કારણે બંધ થઇ નથી. પરંતુ આધારકાર્ડની કામગીરી કરતા કોન્ટ્રકટ કર્મચારીઓને પાંચ-પાંચ મહીનાથી પગાર મળ્યો નથી. બીજી બાજુ આ કર્મચારીઓ જે એજન્સી હેઠળ ફરજ બજાવી રહ્યા છે તે એજન્સીને પણ સબંધિત તંત્ર દ્વારા નાણાં ચૂકવવામાં ન આવતા આ કામગીરી ઠપ્પ થઇ છે. આધારકાર્ડ જેવી મહત્વની કામગીરી સતત ૧૧ દીવસથી ઠપ્પ હોય અરજદારો બેહાલ બન્યા છે. આથી પ્રચંડ રોષની લાગણી ફેલાઇ છે. કારણ કે, કોઇપણ પ્રકારની અગાઉથી જાણકારી વગર આધારકાર્ડની કામગીરી એકાએક ઠપ્પ થતાં અરજદારોને ઘરમના ધકકા થતાં સમયની સાથે નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે. હાલમાં તીવ્ર ગરમીમાં દૂર દૂરથી આધારકાર્ડ કઢાવવા તથા સુધારા માટે આવતા અરજદારોને ફોગટ ફેરો થતાં અને જાયે તો જાયે કહાંની સ્થિતિમાં મૂકાતા ત્રાહીમામ પોકારી ગયા છે.
એજન્સી અને કોન્ટ્રાકટ કર્મચારીઓને શા માટે પાંચ-પાંચ મહીનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી તે સળગતા સવાલની સાથે તપાસનો વિષય બન્યો છે. પગાર ચૂકવામાં આવ્યો નથી તો સંબધિત વિભાગના કયાં અધિકારીઓની જવાબદારી છે અને તે અધિકારીઓએ બેદરકારી દાખવી છે કે ગ્રાન્ટ નથી આવી તે સવાલ પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ હકીકત એ છે કે, આધારકાર્ડની કામગીરી ઠપ્પ થતાં હાલમાં તો અરજદારોનો ખો નીકળી રહ્યો છે. આ અંગે જામનગર શહેરના અધિક કલેકટર વિમલ ચૌધરીએ જનસેવા કેન્દ્રોમાં આધારકાર્ડની કામગીરી બંધ હોય આ બાબતે તાકીદે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.