BREAKING NEWS

વિદેશ જવા ઈચ્છતા લોકો ચેતજો...અમદાવાદમાં કેનેડા જવા માગતી બે મહિલાઓને એજન્ટોએ ફેક વિઝા સ્ટેમ્પ, નકલી ટિકિટ પકડાવી, રૂ.1.05 કરોડ પડાવ્યા

  • October 29, 2026 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપીને અમદાવાદના પ્રતિત પટેલ, ચિંતન પટેલ અને રમનદીપસિંગ નામના ત્રણ એજન્ટોએ બે મહિલાઓ પાસેથી કુલ રૂ.૧,૦૫,૨૪,૫૮૨ જેટલી મોટી રકમ પડાવીને છેતરપિંડી કરી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઠગબાજોએ વિશ્વાસ કેળવવા માટે મહિલાઓને બોગસ વિઝા સ્ટેમ્પ, બનાવટી એલએમઆઈએ લેટર અને ખોટી એર ટિકિટ આપી હતી. એટલું જ નહીં, વિઝાના નિયમોનું બહાનું બતાવીને આ મહિલાઓના બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરીને ખાતાઓનો દુરુપયોગ પણ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી હેતલબેન અને અન્ય મહિલા નિકિતાબેન જુલાઈ ૨૦૨૫માં આ ત્રણેય એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા. કેનેડામાં વર્ક પરમિટ અપાવવાનું વચન આપીને પ્રતિત પટેલ, ચિંતન પટેલ અને રમનદીપસિંગે હેતલબેન પાસેથી રૂ.૫૫,૨૫,૦૦૦ અને નિકિતાબેન પાસેથી રૂ.૪૯,૯૯,૫૮૨ મળીને કુલ રૂ.૧,૦૫,૨૪,૫૮૨ની રકમ મેળવી લીધી હતી. ઠગાઈ આચરવા માટે આરોપીઓએ તેમની પાસે રહેલા પાસપોર્ટ પર બનાવટી વિઝા સ્ટેમ્પ લગાવી આપ્યા હતા, ખોટો એલએમઆઈએ લેટર તૈયાર કર્યો હતો અને પીએનઆર નંબર વગરની કેનેડાની નકલી એર ટિકિટ પકડાવી દીધી હતી.

જ્યારે પીડિત મહિલાઓને શંકા જતાં તેમણે પોતાના ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ અને સાચા વિઝાની માંગણી કરી, ત્યારે આરોપીઓએ પોતાના ફોન બંધ કરી દીધા હતા અને તેમના નંબર બ્લોક કરી દીધા હતા. આ ઉપરાંત, જો તેઓ પૈસા કે ડોક્યુમેન્ટ માંગશે તો તેમની સામે જ પોલીસ કેસ કરવાની ધમકી પણ આપી હતી, જેનાથી આખરે મહિલાઓએ પોલીસનો સંપર્ક કરવો પડ્યો હતો.

આ કેસમાં બીજો એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, કેનેડિયન વિઝાના નિયમો મુજબ બેંક એકાઉન્ટમાં આર્થિક વ્યવહારો બતાવવા પડશે તેમ કહીને આરોપીઓએ બંને મહિલાઓના નામે અમદાવાદના નવરંગપુરા વિસ્તારની બેંક શાખામાં એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ એકાઉન્ટ્સની તમામ કિટ, પાસબુક અને નેટ બેંકિંગનો વહીવટ આરોપીઓ પોતાની પાસે જ રાખતા હતા. આરોપીઓએ આ ખાતાઓનો દુરુપયોગ કરીને હેતલબેનના ખાતામાં આશરે રૂ.૮૦,૦૦,૦૦૦ અને નિકિતાબેનના ખાતામાં આશરે રૂ.૧,૭૩,૭૮,૪૬૬ ના શંકાસ્પદ અને ગેરકાયદે આર્થિક વ્યવહારો કર્યા હતા.

આમ, વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવા, બોગસ દસ્તાવેજો બનાવવા તેમજ બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરીને બ્લેક મની કે ગેરકાયદે વ્યવહારો કરવા બદલ પોલીસે પ્રતિત પટેલ, ચિંતન પટેલ અને રમનદીપસિંગ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application