દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા જામનગર જિલ્લામાં સહાયને ગણાવાઇ લોલીપોપ
કુદરત રુઠીે હોવાથી આ વર્ષે ગુજરાતના જિલ્લાઓમાં અપૂરતો વરસાદ થયો છે અને કચ્છ સહિત સૌરાષ્ટ્ર ત્રણ જિલ્લાને આખરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ફરજ પડી છે, જેની સામે જાહેર કરાયેલા જામનગર જિલ્લામાં ખેડુતોમાં ખાસ કરીને સહાયને લઇને વિરોધ ઉઠવા લાગ્યો છે અને આજે જોડીયા તાલુકાના વાવડી ગામના સરપંચ તથા ખેડુતોએ જાહેર કરાયેલી સહાયને લોલીપોપ સમાન ગણાવીને ઉગ્ર વિરોધ કર્યો છે અને એવી માંગણી કરી છે કે ખેડુતોનું ધિરાણ સંપુર્ણ રીતે માફ કરવામાં આવે.

દુષ્કાળગ્રસ્ત જામનગર અને દ્વારકા જિલ્લાની ઉનાળામાં કેવી દશા થશે એ કલ્પના ધ્રુજાવી મુકે તેવી છે, શહેરની શેરી-ગલ્લીઓમાં ટેન્કરો દેખાવાના દિવસો દુર નથી, પાણીનું વેંચાણ પણ પરાકાષ્ટાએ પહોંચશે, તો બીજી તરફ ગામડાઓમાં તો પાણીના અભાવે ખેડુતો ઉપરાંત માલધારીઓને હિજરત કરવી પડે એવો કપરો સમય પણ આવી શકે છે.
જામનગર દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે છે અને સાથે સાથે સહાયની પણ જાહેરાત કરાઇ છે તેની સામે સહાયને લઇને ઉગ્ર વિરોધ ઉઠતો જોવા મળી રહ્યો છે, જેનો પ્રારંભ થઇ ચુકયો છે, જોડીયાના વાવડી ગામના ખેડુતો બાંયો ચડાવીને સામે આવી ગયા છે અને એવું લાગે છે કે આવનારા દિવસોમાં વિરોધનું વર્તુળ વધીને વિકરાળ બની શકે છે.

ગુજરાતમાં પ્રવર્તમાન દુષ્કાળની સ્થિતિ વચ્ચે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત સહાયને લઇને ખેડુતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર નજીક આવેલ વાવડી ગામે સરપંચ ભાવેશ મકવાણાએ સરકાર દ્વારા જાહેર કરાયેલી આ સહાય સામે આક્રોશ વ્યકત કરતા ખેડુતો માટે માત્ર એક લોલીપોપ સમાન ગણાવી છે, સરપંચે સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવીને ખેડુતોની આર્થિક સ્થિતિને ઘ્યાને રાખી સમગ્ર મામલે તાકીદે પુન:વિચારણા કરવાની માંગ કરી છે.
વાવડી ગામના સરપંચ ભાવેશ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા હેકટર દીઠ માત્ર ૮૫૦૦ની સહાય જાહેર કરવામાં આવી છે અને તેમાં પણ વધુમાં વધુ બે હેકટર સુધીની જ મર્યાદા નકકી કરવામાં આવી છે જે ખેડુતોના વાસ્તવિક નુકશાન સામે અત્યંત નજીવી છે, તેમણે વાસ્તવિકતા વર્ણવતા દાવો કર્યો હતો કે હાલના સમયમાં એક વીઘા ખેતી પાછળ ખેડુતને દસથી બાર હજાર જેટલો મોટો ખર્ચ થતો હોય છે આવા સંજોગોમાં જાહેર કરાયેલી સામાન્ય રકમથી ખેડુતોને કોઇ જ રાહત મળવાની નથી.
દુષ્કાળના કારણે ખેડુતો આર્થિક સંકટમાં મુકાયા હોવાનું જણાવતા સરપંચે મુખ્યમંત્રીને સીધી અપીલ કરી છે કે આ નજીવી સહાયથી ધરતીપુત્રોનું સંકટ દુર નહીં થાય, ખેડુતોને સાચા અર્થમાં દેવામાંથી મુકિત આપવા અને પાયમાલ થતા બચાવવા માટે સરકારે તેમના તમામ ધિરાણ સંપુર્ણપણે માફ કરવા જોઇએ.