BREAKING NEWS

જામનગર: લાલપુર મધ્યાહન ભોજન ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

  • July 09, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુર મધ્યાહન ભોજન ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

જાહેર જનતાને અંધારામાં રાખી મળતિયાઓને ગોઠવી દેવાયાના આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાંથી સરકારી તંત્રની મિલીભગત અને મોટો ભ્રષ્ટાચાર છતો કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લાલપુર તાલુકાની વિવિધ ૧૪ જેટલી પ્રાથમિક અને વાડી શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક અને કુક કમ હેલ્પરની મહત્ત્વની જગ્યાઓ ભરવા માટે આચરવામાં આવેલી કથિત ગેરરીતિ સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે વિવિધ આક્ષેપો થઇ રહ્યા છે તે અંગે જિલ્લા કલેકટરને તપાસ કરવાની જ‚ર છે, તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે.

નિયમ મુજબ કોઈપણ સરકારી ભરતી કે નિમણુંક પ્રક્રિયા માટે અખબારમાં સત્તાવાર જાહેરાત અથવા પ્રેસનોટ આપવી અનિવાર્ય હોય છે, જેથી સામાન્ય અને લાયક નાગરિકોને તેની વિગત મળી શકે અને તેઓ અરજી કરી શકે. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) કચેરી, પ્રાંત અધિકારીની કચેરી તેમજ લાલપુરની અન્ય સરકારી કચેરીઓના નોટિસ બોર્ડ પર પણ આ અંગેની નોટિસ પ્રસિદ્ધ કરવી ફરજિયાત હોય છે. પરંતુ લાલપુર તાલુકામાં આ તમામ નિયમોને ઘોળીને પી જવામાં આવ્યા હોય તેમ, કોઈ જ પ્રકારની જાહેર પ્રસિદ્ધિ વિના બારોબાર નિમણુંકો કરી દેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

લોકોમાં ઉઠેલી ચર્ચા અને આક્ષેપો મુજબ, તંત્રના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓએ અંદરોઅંદર સાંઠગાંઠ કરીને પોતાના સગા-સંબંધીઓ અને મળતિયાઓને આ જગ્યાઓ સોંપી દીધી છે અને આ આખી ગોઠવણમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે, આરીખાણા, કાનવીરડી, ટેભડા, નવાણીયા, મોડપર, રાસંગપર, ખાયડી, બબરઝર, નાના ખડબા, ગોવાણા, સણોસરા અને મુરીલા (ભોલેશ્વર) જેવી શાળાઓમાં ગત તારીખ ૧૫-૬-૨૦૨૬ થી ૨૫-૬-૨૦૨૬ દરમિયાન અરજીઓ સ્વીકારવાનો સમયગાળો નક્કી કરાયો હતો, પરંતુ સામાન્ય જનતાને આ સમયગાળા વિશે ક્યારેય કોઈ માહિતી જ મળવા દીધી ન હતી.

જ્યારે આ ગંભીર બાબતે લાલપુરના મામલતદાર પરમારનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ અંગેની વિગત પણ ખાસ કોઇ પ્રકાશ પાડ્યો ન હતો અને કહ્યું હતું કે અમે ગ્રામ પંચાયત સ્તરે જાહેરાત કરી દીધી છે અને અમારે મોટા અખબારોમાં જાહેરાત કે પ્રેસનોટ આપવાની કોઈ જરૂર નથી, અમારી પ્રક્રિયા કાયદેસર જ છે.

મામલતદારના આ દાવા સામે અનેક લોકો દ્વારા વેધક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો પ્રક્રિયા સંપૂર્ણ કાયદેસર અને પારદર્શક હતી, તો સરકાર દ્વારા પત્રકારો અને જનતા માટે ચલાવવામાં આવતા સત્તાવાર માહિતી વિભાગના વોટ્સએપ ગ્રૂપોમાં આ અંગેની કોઈ પ્રેસનોટ કેમ શેર ન થઈ? લાલપુરની એક પણ સરકારી કચેરીના નોટિસ બોર્ડ પર આ ભરતી અંગેની વિગતો કેમ ગાયબ હતી? સૌથી મોટો સવાલ એ છે કે જામનગર જિલ્લાના જ અન્ય તાલુકાઓ જેવા કે ધ્રોલ, જોડિયા, કાલાવડ અને જામજોધપુરમાં જ્યારે આ જ પ્રકારની મધ્યાહન ભોજનની ભરતીઓ માટે નિયમ મુજબ પદ્ધતિસરની પ્રેસનોટો અને જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવતી હોય, તો માત્ર લાલપુર તાલુકામાં જ કેમ આવી ગુપ્તતા રાખવામાં આવી? આ ભેદભાવ અને ગુપ્તતા જ સાબિત કરે છે કે દાળમાં કંઈક કાળું નથી પણ આખી દાળ જ કાળી છે.

આ કૌભાંડ સામે હવે લાલપુરની જનતા આકરા મૂડમાં છે. સ્થાનિક લોકોએ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ સમિતિ નીમવામાં આવે અને સરકારી પદનો દુરુપયોગ કરી ગેરરીતિ આચરનારા મળતીયા અને તમામ દોષિત અધિકારીઓ સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News