જામનગરમાં નંદનવન સોસાયટીમાં જમીનના બદલામાં બે રૂમ આપવાના વિવાદમાં બબાલ
જામનગરમાં બે રૂમના બદલામાં જમીન આપવાના વિવાદમાં એક યુવાનની સાથે ઝપાઝપી કરી ધમકી આપવામાં આવી હતી આ ત્રાસથી કંટાળી યુવાને ફીનાઇલ પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, દરમ્યાનમાં યુવાન દ્વારા કાકાના દિકરા અને તેની માતા સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના નંદનવન સોસાયટી શેરી નં. ૩માં રહેતા રીક્ષા ડ્રાઇવર યોગેશ અમરશીભાઇ મકવાણા (ઉ.વ.૪૪) એ આશરે ૬ વર્ષ પહેલા પોતાની ૬૦૦ ચો.ફુટ જમીન તેમના કાકાના દિકરા કમલને ફરીયાદીને બે રૂમ આપવાના બદલે મૌખિક વાત કરીને આપેલ હતી. તે જમીન આરોપીએ લઇ લીધેલ હોય અને આજ સુધી ફરીયાદીને આપવાના બે રૂમ આપેલ ન હોય જેથી આ બાબતે યોગેશભાઇ તેમને તેડવા જતા આરોપી કમલ અને તેના માતા બંનેએ એક સંપ કરી ફરીયાદી પર મરચાની ચટણી ઉડાડી, અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી.
શરીરે મુંઢ ઇજા અને કપાળના ભાગે વિખોડીયા ભરી મારી નાખવાની ધમકી દીધી હતી, દરમ્યાનમાં આરોપીના ત્રાસથી કંટાળી ફરીયાદીએ ફીનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયા હતા.
યોગેશભાઇ મકવાણા દ્વારા આ બનાવ અંગે સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે કમલ મનોજ મકવાણા અને કાન્તાબેન મનોજ મકવાણાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા એએસઆઇ બાબરીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.