અત્યાર સુધી સોનાના મહેલો અને સોનાની ઈમારતોની વાતો સાંભળવા મળતી હતી, પરંતુ હવે દુબઈમાં લોકો ખરેખર સોનાના રસ્તા પર ચાલી શકશે. દુનિયાને પોતાની ભવ્યતા અને વૈભવથી આશ્ચર્યચકિત કરતું દુબઈ હવે ૨૪ કેરેટ સોનાનો રસ્તો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં વિશ્વનો પ્રથમ અને સૌથી લાંબો સોનાનો વોકવે તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં પ્રવાસીઓ માટે તેને ખુલ્લો મૂકવાનું આયોજન છે.
દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટના વાણિજ્ય વિભાગના વરિષ્ઠ નિયામક રાશિદ અલ હરમૂદીએ જણાવ્યું હતું કે, આગામી બે મહિનામાં આ અનોખો રસ્તો પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ રસ્તો ૨૪ કેરેટ સોનાનો બનાવવામાં આવશે અને વિશ્વમાં પોતાની જાતનો પ્રથમ તથા સૌથી લાંબો સોનાનો વોકવે હશે એવો તેમનો દાવો છે.
દુબઈના દૈરા વિસ્તારમાં આવેલા ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં આ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. સોનાના વેપાર માટે વિશ્વવિખ્યાત આ વિસ્તારમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ખરીદી માટે પહોંચે છે. હવે અહીં આવતા પ્રવાસીઓને સોનાના રસ્તા પર ચાલવાનો અનોખો અનુભવ મળશે. જોકે આ રસ્તાની ચોક્કસ લંબાઈ, તેના નિર્માણમાં કેટલું સોનું વપરાશે અને સોનાનો ઉપયોગ કઈ પદ્ધતિથી કરવામાં આવશે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
જાન્યુઆરી ૨૦૨૬માં શરૂ કરવામાં આવેલા દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં સોના, ઝવેરાત, કિંમતી ધાતુઓ, સુગંધિત દ્રવ્યો, સૌંદર્ય પ્રસાધનો અને વૈભવી ચીજવસ્તુઓના એક હજારથી વધારે વેપારીઓ કાર્યરત છે. દુબઈ સરકાર આ વિસ્તારને માત્ર સોનાની ખરીદી માટેનું બજાર રાખવાને બદલે આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માગે છે.
રાશિદ અલ હરમૂદીના જણાવ્યા પ્રમાણે આ વર્ષના પ્રારંભથી ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં સોનાના જથ્થાબંધ વેપારની નવી કચેરીઓની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થયો છે. સોના, ઝવેરાત, કિંમતી પથ્થરો અને વૈભવી ઘડિયાળોના નવા સ્ટોર્સની સંખ્યામાં પણ ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. આગામી વર્ષ દરમિયાન અહીં વ્યવસાય શરૂ કરનારી કંપનીઓની સંખ્યામાં વધુ ૧૦થી ૨૦ ટકાનો વધારો થવાની ધારણા છે.
દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં મધ્યપૂર્વનું સૌથી મોટું સોના અને ઝવેરાતનું પ્રદર્શન યોજવાની પણ તૈયારી ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય ઝવેરીઓ અને વેપારી કંપનીઓને આકર્ષવા માટે નવી કચેરીઓ અને શોરૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
સોનાનો આ માર્ગ બનાવવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દુબઈમાં ભારતીય પરંપરાના ઝુમખાંએ બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યા છે. જોયાલુક્કાસ જ્વેલરીએ તૈયાર કરેલી સોનાનાં ઝુમખાંની જોડીએ વિશ્વનાં સૌથી ભારે અને સૌથી મોટાં કાનનાં ઘરેણાં તરીકે બે વિક્રમ મેળવ્યા છે. આ પ્રસંગે જ સોનાના રસ્તાની યોજના અંગે માહિતી આપવામાં આવી હતી.
સોનાનો રસ્તો કેટલો લાંબો હશે અને કેટલું સોનું વપરાશે?
સોનાના રસ્તાની જાહેરાતે વિશ્વભરમાં ઉત્સુકતા જગાવી છે, પરંતુ તેના નિર્માણ અંગે અનેક પ્રશ્નો હજુ અનુત્તર છે. રસ્તાની લંબાઈ અને પહોળાઈ કેટલી હશે, તેમાં કેટલા કિલો સોનું વપરાશે, સમગ્ર રસ્તો નક્કર સોનાનો હશે કે તેની સપાટી પર સોનાનું આવરણ ચડાવવામાં આવશે તે જાહેર કરાયું નથી. પ્રોજેક્ટનો કુલ ખર્ચ, સુરક્ષાની વ્યવસ્થા અને પ્રવાસીઓ માટે પ્રવેશની શરતો અંગે પણ કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. હાલમાં વિશ્વનો સૌથી લાંબો સોનાનો રસ્તો બનાવવાનો દાવો આયોજકોનો છે. રસ્તો પૂર્ણ થયા પછી જ તેની વાસ્તવિક લંબાઈ અને વિશેષતાઓ સ્પષ્ટ થઈ શકશે.