જામનગર: નવી મોખાણાની સીમમાં દીપડાને પકકવા વધુ બીજું પાંજરૂ મૂકાયું
પાંજરા સુધી દીપડો ન આવતા ટ્રેપ કેમેરામાં કોઇ હીલચાલ કેદ થઇ નહીં
જામનગરના નવી મોખાણા ગામની સીમમાં આંટાફેરા કરતા દીપડાને પકડી પાડવા વનવિભાગે બીજું પાંજરૂ મૂકયું છે. પરંતુ બંને પાંજરા સુધી દીપડો ન આવતા ટ્રેપ કેમેરામાં દીપડાની કોઇ હીલચાલ કેદ થઇ નથી.પખવાડીયાથી વધુ સમયથી દીપડાના આવાગમનથી ગ્રામજનોમાં ભયની લાગણી યથાવત રહી છે.
જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં પુન: દીપડો દેખાયો છે. આટલું જ નહીં બે દીવસ પહેલા કૂતરાનું મારણ પણ કર્યું હતું.
આથી ગ્રામજનોમાં ફરી ભયની લાગણી પ્રસરી છે. પખવાડીયાથી વધુ સમયથી રણજીતસાગર ડેમની આસપાસના વિસ્તારોમાં દીપડાની આંટાફેરાની ફરિયાદો વચ્ચે પ્રથમ વખત દીપડાએ મારણ કર્ર્યું છે. આથી દીપડાને પકડી પાડવા માટે વનવિભાગે નવી મોખાણા ગામની સીમમાં જયાં મારણ કર્યું છે તે સ્થળે પુન: પાંજરૂ મૂકી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમ્યાન ગતરાત્રીના સીમ વિસ્તારમાં વનવિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા માટે બીજું પાંજરૂ મૂકવામાં આવ્યું છે. બંને પાંજરામાં ટ્રેપ કેમેરા પણ ફીટ કરાયા છે. પરંતુ દીપડો બેમાંથી એકપણ પાંજરા સુધી ન આવતા કેમેરામાં દીપડાની કોઇ હીલચાલ કેદ થઇ નથી. આટલું જ નહીં દીપડાના કોઇ ફુટમાર્ક પણ મળ્યા ન હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. જો કે, વનવિભાગ દ્વારા નવી મોખાણા અને આજુબાજુના વિસ્તારમાં પડાવ નાંખનાર દીપડાને પકડી પાડવા માટેની કવાયત ચાલુ છે. જો કે, પખવાડીયાથી વધુ સમયથી દીપડાના આંટાફેરા ચાલુ રહેતા ગ્રામજનોમાં ભયની લાગણી યથાવત રહી છે.