જામનગર: જામજોધપુરના મેઘપર ગ્રામ પંચાયતના સરપંચ પર હુમલો
પવનચકકીના કામ માટે એનઓસી આપવાની ના પાડતા બબાલ : ૩ સામે ફરીયાદ
જામજોધપુર તાલુકાના મેઘપર ગ્રામ પંચાયતના સરપંચ પર હુમલો કરવામાં આવ્યો હોવાની મોટી ગોપ અને ધારાગઢના શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. પવનચકકીના કામ માટે એનઓસી આપવાની ના પાડતા મામલો બિચકયો હોવાનું પોલીસમાં જણાવ્યુ હતું.
જામજોધપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા ભીખુભાઇ હરજીભાઇ શીલુ (ઉ.વ.૬૭)એ ગત રાત્રીના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં મોટી ગોપના રાકેશ ઉર્ફે ટીટો જોશી અને મેરામણ નંદાણીયા તથા ધારાગઢના ઉમરભાઇ નામના ૩ શખ્સ સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપીઓનો મેઘપર ગામના સીમ વિસ્તારમાં પવનચકકીનું કામ ચાલતુ હોય અને આ કામના ફરીયાદી મેઘપર ગ્રામ પંચાયના સરપંચ હોય જેથી આરોપીઓને પવનચકકીના કામ માટે એનઓસીની જરૂર હોય જેથી આરોપીઓએ ફરીયાદી પાસે એનઓસીની માંગણી કરી હતી.
પરંતુ ફરીયાદી ભીખુભાઇએ એનઓસી આપવાની ના પાડતા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જેમતેમ અપશબ્દો બોલી પાઇપ અને લોખંડના પાઇપવાળુ ધારીયુ, ધોકા વડે ફરીયાદીને આડેધડ માર મારી કોણીથી નીચે ફ્રેકચર તેમજ બંને પગ, કમર, છાતીમાં ઇજાઓ પહોચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી, આ ફરીયાદના આધારે પીએસઆઇ ઓડેદરા તપાસ ચલાવી રહયા છે.