જામનગર: જી.જી. હોસ્પિટલ પાસે થયેલ હત્યા પ્રયાસના કેસમાં આરોપીની જામીન અરજી નામંજુર
જામનગરમાં ગત તા.૧૧-૫-૨૬ના રોજ શિવમ હોટલ જી.જી. હોસ્પિટલ પાસે રાત્રીના ૩ વાગ્યે બે યુવાનો ઉપર ખુની હુમલો કરી જાનથી મારી નાખવા અંગેના ચકચારી બનાવમાં આરોપી અર્જુનસિંહ નટુભા ચુડાસમા દ્વારા જામનગરની અદાલતમાં જામીન મુકત થવા અરજી દાખલ કરવામાં આવતા સેસન્સ અદાલત દ્વારા ફરિયાદી પક્ષ તથા સરકારી વકીલની દલીલો ઘ્યાને લઇ જામીન મુકત થવા અંગેની અરજી રદ કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ બનાવની હકીકત મુજબ ગત તા.૧૧-૫ના રોજ રાત્રીના અરસામાં જામનગર શહેરમાં વડાપ્રધાન તથા રાજયના ગૃહમંત્રી જામનગરમાં રાત્રી રોકાણ કરેલ તે રાત્રીના ૧૨.૩૦ વાગ્યાના અરસામાં ફરીયાદી જયરાજસિંહ કંચવાને તેના મિત્ર રૂદ્ર રજનીશભાઇ રાઠોડનો ફોન આવેલ કહેલ કે ક્રીસ્ટલ મોલ પાસે એને માર મારેલ છે જેથી જયરાજસિંહ એની પાસે જતા તેના મિત્ર મહાવીરસિંહ ચૌહાણ પણ ત્યાં આવેલ તથા રૂદ્ર રાઠોડને મહાવીરસિંહની કારમાં સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ લઇ ગયેલા તથા રાત્રીના ૩ વાગ્યાના અરસામાં જયરાજસિંહ અને મહાવીરસિંહ શિવ હોટલ ખાતે ચા પીવા ઉભા હતા ત્યારે ચાર વ્યકિતઓ આવી ધોકા તથા પાઇપ વડે બન્ને ઉપર જીવલેણ હુમલો કરેલો જે અંગે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબ ફરિયાદ દાખલ કરેલ.
જે ગુનાની તપાસના કામે પોલીસ દ્વારા જયદિપસિંહ ઉર્ફે બંધૂક જાડેજા, હરદીપસિંહ ઝાલા, વિવેક ઉર્ફે વીકી કાપડી, પુષ્પરાજસિંહ બલભદ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ નટુભા ચુડાસમા, દેવ ભીખાભાઇ ભારાઇ, તથા સુરજ વિજયભાઇ સોનારાની ધરપકડ કરવામાં આવેલ તે આરોપી પૈકી અર્જુનસિંહ નટુભા ચુડાસમા દ્વારા જામનગર સેસન્સ અદાલતમાં જામીન મુકત થવા અંગે અરજી કરવામાં આવતા અદાલત દ્વારા ફરિયાદી પક્ષની તથા સરકારી વકીલની રજુઆત અને તપાસ કરનાર અધિકારીની રજુઆતો ઘ્યાને લઇ આરોપીની જામીન અરજી નામંજુર કરેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ નીખીલ બી. બુદ્ધભટ્ટી, પાર્થ ડી. સામાણી, સમર્થ આર. વેકરીયા તથા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ જે.કે. ભંડેરી રોકાયા હતા.