BREAKING NEWS

જામનગર: સતપૂરણધામ ધૂનડા આશ્રમમાં પારદ શિવલિંગ સ્વરૂપે બિરાજતાં ભાવેશ્ર્વર મહાદેવ

  • September 09, 2026 01:19 PM 

જામનગર: સતપૂરણધામ ધૂનડા આશ્રમમાં પારદ શિવલિંગ સ્વરૂપે બિરાજતાં ભાવેશ્ર્વર મહાદેવ

પારદ શિવલિંગની પૂજા કરવાથી ૧૨ જ્યોતિર્લિંગની પૂજા કરવા જેટલું પુણ્ય:૧૦૮ કીલોના પારદ શિવલિંગના દર્શનથી ભાવિકો ભાવવિભોર

બ્રહ્મપુરાણ, બ્રહ્મવેવર્ત પુરાણ, શિવપુરાણ, ઉપનિષદ વગેરે જેવા અનેક ગ્રંથોમાં પારદ શિવલિંગનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે.ભગવાન ભોલેનાથે સ્વયં માતા પાર્વતીને કહ્યું હતું કે કોઈપણ સાધક પારદ શિવલિંગની પૂજા કરશે તેમના પર મારા આશિર્વાદ હંમેશા રહેશે. 

સત્પુરણધામ આશ્રમ, ધુનડાના પરમ પૂજ્ય સદગુરુ સાહેબ જેન્તિરામ બાપા,શીલુ પરિવાર એવં સેવક ગણ દ્વારા આશ્રમના બ્રહ્મલીન સંતવર્ય ભાવેશરામ જીનું મહાદેવ મંદિરનું સપનું સાકાર કરવામાં આવેલ છે, બ્રહ્મલીન ભાવેશરામ જીના નામ પરથી શ્રી ભાવેશ્વર મહાદેવ નામ રાખવામાં આવેલ છે.જે શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.

આ શિવમંદિરમાં ૧૦૮ કીલોના પારદ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ આ પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમગ્ર સૌરાષ્ટ્રના સંતો મહંતોની સાથોસાથ લંડનથી પરમ પૂજ્ય રાજરાજેશ્વર ગુરુજી ધુનડા સતપૂરણધામ આશ્રમ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શ્રાવણ માસમાં સમગ્ર રાજ્યમાંથી શિવ-ભક્તો દર્શાનાર્થે આવીને ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે.

પારદ શિવલિંગની પૂજા કરવાથી સાધકને તમામ દુ:ખોથી મુક્તિ મળે છે અને તેનું માન, કીર્તિ, ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે, શાસ્ત્રનાં મત પ્રમાણે વાસ્તવમાં ભગવાન શિવ તેમાં રહે છે. તેટલા જ પુણ્ય પ્રદોષના દિવસે પારદ શિવલિંગના દર્શન કરવાથી મળે છે.પારદ શિવલિંગની પૂજા કરવાથી તમામ પ્રકારના તંત્ર - મંત્ર - દોષ અને નકારાત્મક શક્તિઓ દુર થાય છે.ભક્તિભાવથી પારદ શિવલિંગની પૂજા કરવાથી નિ:સંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે.પારદ શિવલિંગ દ્વારા નવગ્રહોના નકારાત્મક પ્રભાવના ભયથી મુક્તિ મળે છે.પારદ શિવલિંગથી ધન, સ્વાસ્થ્ય, પ્રતિષ્ઠા, સુખ વગેરે પણ પ્રાપ્ત થાય છે.

ધુનડા ગામ સતપુરણધામ માત્ર મંદિર પૂરતું સીમિત નથી, પરંતુ ભક્તિ, સત્સંગ,સેવા અને ધાર્મિક સંસ્કારોનું કેન્દ્ર છે. આશ્રમના વાતાવરણમાં શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચેતનાનો અનુભવ થાય છે. વિવિધ ધાર્મિક પર્વો અને પ્રસંગોએ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન અને પૂજાર્થે આવે છે,તેમ જ સૌરાષ્ટ્રના સંતો, મહંતો, રાજકીય પક્ષોના હોદેદારો, સરકારી અધિકારીઓ,પદાધિકારીઓ ધૂનડા સતપૂરણધામ આશ્રમે પારદ શિવલિંગના દર્શાનાર્થે આવીને ધન્યતા અનુભવે છે.

ભગવાન શિવને ’ભોળાનાથ’ અને ’આશુતોષ’ તરીકે પૂજવામાં આવે છે. તેથી ભક્તિભાવથી કરવામાં આવતી શિવપૂજામાં બાહ્ય વૈભવ કરતાં નિષ્ઠા અને શ્રદ્ધાને વધુ મહત્વ આપવામાં આવે છે.પરમ પૂજ્ય સદગુરુ સાહેબ જેન્તીરામ બાપાના આર્શિવાદ અને સેવકગણ દ્વારા સતપૂરણધામ આશ્રમમાં ગૌશાળા, વૃધ્ધાશ્રમ, પ્રાથમિક શાળા સુચારુ સંચાલન થાય છે,વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોની સાથોસાથ સેવાકીય કેમ્પો,સત્સંગ, લોકડાયરો, મહાપ્રસાદ યોજાતા હોય છે, જેમાં સૌરાષ્ટ્રભરના સંતો મહંતો ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય છે.

ભગવાન શિવ વૈરાગ્ય, ત્યાગ, કરુણા અને કલ્યાણના પ્રતીક છે. તેથી ભાવેશ્વર મહાદેવની ઉપાસના માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ જીવનમાં સદાચાર અને માનવતાને અપનાવવાની પ્રેરણા પણ છે.મંદિર અને આશ્રમ સમાજમાં માત્ર ધાર્મિક સ્થળ તરીકે નહીં પરંતુ સામાજિક એકતાના કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે. સત્સંગ, મહાપ્રસાદ, ધાર્મિક ઉત્સવો અને સામૂહિક કાર્યક્રમો દ્વારા લોકોમાં પરસ્પર પ્રેમ અને સહકારની ભાવના મજબૂત બનાવે છે.સદગુરુ સાહેબ પરમ પૂજ્ય જેન્તીરામ બાપાના સાનિધ્યમાં હોળી,ધુળેટી, શિવરાત્રી,ગુરૂ પૂર્ણિમા,રામનવમી, હનુમાન જયંતી,રક્ષાબંધન, જન્માષ્ટમી,ગણેશ ઉત્સવ નવરાત્રી, દિપાવલી,પૂનમ જેવા તહેવારો હર્ષોલ્લાસ અને આસ્થાપૂર્વક ઉજવવામાં આવે છે.

જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણધામનું  ભાવેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધા, શાંતિ અને આધ્યાત્મિકતાનું પવિત્ર કેન્દ્ર છે. પારદ શિવલિંગની નિર્મળતા અને ભગવાન શિવના કલ્યાણકારી સ્વરૂપનો સંદેશ ભક્તોને સત્ય, પવિત્રતા અને માનવતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. લઘુરૂદ્ર, મહાભિષેક, હવન, મહાઆરતી અને પાટોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમો આ સતપૂરણધામની જીવંત ધાર્મિક પરંપરાનું પ્રતિબિંબ છે. સ્થાનિક ભક્તસમાજ માટે સતપુરણધામ ભાવેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી, પરંતુ શ્રદ્ધા, સંસ્કાર અને શિવભક્તિનું પવિત્ર સંગમસ્થળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application