BREAKING NEWS

શ્રાવણ માસમાં જામનગરના સુપ્રસિદ્ધ વૈજનાથ મહાદેવ મંદિરે ભોળાનાથને થતી અનેક સેવાઓ

  • August 31, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રાવણ માસમાં જામનગરના સુપ્રસિદ્ધ વૈજનાથ મહાદેવ મંદિરે ભોળાનાથને થતી અનેક સેવાઓ

શ્રાવણી સોમવારે સવારે પાંચ વાગ્યે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરની જેમ થતી ભસ્મ આરતી દર્શનીય
​​​​​​​
​​​​​​​​​​​​​​જામનગરના હવાઈ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલું શ્રી વૈજનાથ મહાદેવ મંદિર શહેરના પ્રાચીન શિવાલયોમાંનું એક માનવામાં આવે છે. અહીં શ્રાવણ માસ દરમિયાન વિશેષ શિવપૂજન અને મહાકાલ સ્વરૂપની ભસ્મ આરતીને કારણે મંદિરનું ધાર્મિક મહત્ત્વ વિશેષ બન્યું છે. 

વૈજનાથ નામ ભગવાન શિવના વિવિધ પવિત્ર સ્વરૂપોમાં પ્રચલિત છે. વૈદ્ય એટલે રોગ હરનાર અથવા ચિકિત્સક અને નાથ એટલે સ્વામીઆથી વૈજનાથ નામને ભગવાન શિવના દૈવી વૈદ્ય સ્વરૂપ સાથે પણ ધાર્મિક રીતે જોડવામાં આવે છે.

જામનગરના રાજાશાહી સમયનાં વૈજનાથ મહાદેવ પ્રત્યે પણ ભક્તોમાં અખૂટ શ્રદ્ધા જોવા મળે છે. ભક્તો અહીં જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ અને શિવપૂજન કરીને ભગવાન પાસે સુખ, શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરે છે.
શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત પવિત્ર માસ છે. આ દરમિયાન વૈજનાથ મહાદેવ મંદિરે પણ વિશેષ ધાર્મિક માહોલ સર્જાય છે.

વૈજનાથ મહાદેવ મંદિરના પ્રથમ ગુબંજમાં ચારધામ બીજા ગુબંજમાં બારે-બાર જ્યોતિર્લિંગના દર્શન થાય છે વૈજનાથ મહાદેવ મંદિરમાં બહુચર માતાજી,હાટકેશ્વર મહાદેવ ભાવેશ્વર મહાદેવ,નવગ્રહ,રૂદ્રેશ્વર હનુમાનજી સહિતના દેવી-દેવતાઓ બિરાજે છે.એક  પ્રાર્થના સત્સંગ હોલ પણ છે.

જામનગર મોઢ વણિક જ્ઞાતિ સંચાલિત વૈજનાથ મહાદેવ મંદિરમાં બિલીપત્રની, ફુલહાર શણગારની,અખંડ જ્યોત,દિપમાળા,થાળની સેવા,ધ્વજારોહણ,સુંદરકાંડના પાઠ,મહામૃત્યુંજય પાઠ, નવગ્રહ પાઠ સહિતની સેવાઓ કરવામાં આવે છે.શ્રાવણ માસના સોમવારે વહેલી સવારે  થતી ભસ્મ આરતીમાં આ સમયે ભગવાન વૈજનાથ મહાદેવને મહાકાલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. 

વૈજનાથ મહાદેવ મંદિરમાં અમાસના દિવસે પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ખાસ કરીને શ્રાવણી અમાસે ભસ્મ આરતી અને મહાકાલ સ્વરૂપના દર્શન માટે ભક્તો ઉમટી પડે છે. પરિસરમાં આવેલા પીપળાના વૃક્ષનું શ્રાવણી અમાસે  ભક્તો પિતૃઓની સદગતિ માટે  પૂજન પણ કરે છે.

વૈજનાથ મહાદેવ મંદિરે પણ શ્રાવણ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં જલાભિષેક માટે પહોંચે છે. ભક્તો ૐ નમ: શિવાયના જાપ સાથે ભગવાનને જળ, દૂધ, બિલ્વપત્ર અને પુષ્પ અર્પણ કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.આ પરંપરામાં વૈજનાથ મહાદેવ મંદિરનું સ્થાન પણ મહત્વપૂર્ણ છે. અહીંની ભસ્મ આરતી અને મહાકાલ સ્વરૂપની આરાધના જામનગરની શિવભક્તિમાં એક આગવી ધાર્મિક પરંપરા ઉમેરે છે.

કોઈપણ પ્રાચીન મંદિરનું મહત્ત્વ માત્ર તેની ઇમારત કે સ્થાપત્યમાં નથી હોતું પરંતુ તેની સાથે જોડાયેલી લોકોની આસ્થા, પરંપરા અને પેઢીઓથી ચાલતી પૂજાવિધિ તેને જીવંત રાખે છે. વૈજનાથ મહાદેવ મંદિર પણ સ્થાનિક લોકોની શ્રદ્ધાનું એવું જ કેન્દ્ર છે.

જામનગરનું શ્રી વૈજનાથ મહાદેવ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનું પવિત્ર કેન્દ્ર છે. હવાઈ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલું આ પ્રાચીન શિવાલય શ્રાવણ માસમાં વિશેષ રીતે શિવમય બની જાય છે. વહેલી સવારની ભસ્મ આરતીમાં મહાકાલ સ્વરૂપના દર્શન, જલાભિષેક, બિલ્વપત્ર અર્પણ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બને છે.

ભસ્મ આરતીનું આધ્યાત્મિક ગહન:
ભસ્મ આરતીનો આધ્યાત્મિક સંદેશ ખૂબ ગહન છે. ભસ્મ માનવજીવનની નશ્વરતાનું પ્રતીક માનવામાં આવે છે. જીવનમાં ભૌતિક સુખ-સંપત્તિ ક્ષણભંગુર છે, જ્યારે શિવતત્ત્વને શાશ્વત માનવામાં આવે છે. તેથી ભસ્મ આરતી માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ જીવનના સત્ય અને વૈરાગ્યનો સંદેશ આપતી પરંપરા તરીકે પણ જોવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application