BREAKING NEWS

જામનગરમાં ભાજપની શિસ્તનું ‘રક્ષા’કવચ તૂટશે? : વોર્ડ નં. ૧માં લાગી આગ

  • August 28, 2026 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ભાજપની શિસ્તનું ‘રક્ષા’કવચ તૂટશે? : વોર્ડ નં. ૧માં લાગી આગ

ઇતિહાસમાં પહેલી વખત વોર્ડ નં.૧માં ભાજપને જીત મળી પરંતુ હવે ભંગાણની આરે: એક પદાધિકારી માત્ર ભાજપ છોડવાના નહિ પરંતુ અન્ય પક્ષમાં જવાની તૈયારીમાં.....? ભાજપની સ્થાનિક નેતાગીરી વચ્ચેની ઇનફાઇટ વધુ એક વખત સામે આવી: જો ડેમેજ કંટ્રોલ નહિ થાય તો કંઇપણ નવાજૂની થશે

આજે રક્ષાબંધનના દિવસે જ જામનગર ભાજપની શિસ્તનું રક્ષા કવચ તૂટે એવા ભણકારા વાગી રહ્યા છે અને કદાચ ઇતિહાસમાં પહેલી વખત એવું બની શકે કે ભાજપના મહાનગરપાલિકાના કોઇ પદાધિકારી માત્ર પક્ષનો જ ત્યાગ નહીં પરંતુ મુખ્ય પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષ કોંગ્રેસમાં પ્રવેશ કરી શકે..... હાલ ભર્યુ નાળિયેર છે, કાંઇ પણ થઇ શકે છે, રાજકીય અસ્થિરતા આવી શકે છે, આવનારા કલાકોની અંદર કંઇપણ ઉથલપાથલ થવાની શકયતા જેના પરથી એ બાબત પણ સામે આવશે કે ભાજપની અંદર કેવી ઇનફાઇટ ચાલી રહી છે, જે વોર્ડમાં ઇતિહાસ રચાયો અને પહેલી વાર ભાજપને જીત મળી એ વોર્ડ નં. ૧માં જ મોટી ઉથલપાથલ થવાની શકયતાઓ દેખાઇ રહી છે જેના કારણે પ્રદેશ ભાજપ સુધી પડઘા પડી શકે છે અને આવનારા સમયમાં એકશન, રીએકશન દેખાઇ શકે છે. 

ગત મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપને ૧૬ વોર્ડની ૬૪માંથી  ૬૦ બેઠક મળી તેમાં સૌથી વધુ વોર્ડ નં.૧ની ચાર બેઠક જે ભાજપને મળી તેને ઐતિહાસિક ગણવામાં આવી હતી કારણકે આ વોર્ડ એવો હતો કે જયાં ભાજપે ભૂતકાળમાં અનેક પ્રયાસ કરી લીધા હોવા છતાં એક બેઠક પણ જીતી શકાતી નહોતી, પરિણામ બાદ ખુશખુશાલ ભાજપની હાઇકમાન્ડે વોર્ડ નં.૧ને ઇનામ પણ આપ્યું અને આ વોર્ડના અમરભાઇ મોદીને શાસના પક્ષના નેતા બનાવવામાં આવ્યા.

આ વરણી થયા બાદથી જ અંદરખાને આગ લાગેલી હતી કારણકે હાઇકમાન્ડ પાસે પદાધિકારીઓનું જે લીસ્ટ સ્થાનિક નેતાઓએ મોકલ્યુ હતું તેમાંથી કોઇની પસંદગી થઇ ન હતી અને નવા ચહેરાને તક આપવામાં આવી હતી.

આ તો બધી જુની વાત હતી, પરંતુ હમણા કેટલાક દિવસથી વોર્ડ નં.૧માં એક ચિન્ગારી લાગી હતી અને ધીમે ધીમે આગનું સ્વ‚પ લઇ લીધુ હોવાનું અંદરખાને ચર્ચાય છે. વાત ત્યાં સુધી આવે છે કે જો ડેમેજ કંટ્રોલ નહિં થાય તો બની શકે કે ઇતિહાસમાં પહેલી વખત ભાજપના કોઇ પદાધિકારીઓ પોતાની ચાલુ ટર્મને ત્યજીને કોંગ્રેસ અથવા અન્ય પક્ષમાં પ્રવેશ કરી શકે છે. 

આટલી બધી ગંભીર સ્થિતિ સર્જાઇ શું કામ? પાછળ કયા પરિબળોએ કામ કર્યું તેમાં ઉંડા ઉતરવામાં આવતા ભાજપની સ્થાનિક ઉચ્ચ નેતાગીરીની અંદરોઅંદરની ગળાકાંપ ફાઇટ કારણભૂત હોવાનું સમજાઇ રહ્યું છે, પ્રદેશ ભાજપ આ બધી બાબતોથી સ્વાભાવિક રીતે વાકેફ નહીં હોય પરંતુ જયારે અસંતોષનો આ વિસ્ફોટ થશે સ્વાભાવિક રીતે સ્થાનિક તમામ નેતાઓને જવાબ દેવા અઘરા પડી જશે એવું પણ દેખાય છે. 

સુત્રોમાંથી તો ત્યાં સુધીની વાત આવતી હતી કે, આજે શુક્રવારે બપોર અથવા સાંજ સુધીમાં વોર્ડ નં.૧માં ભાજપના પદાધિકારી ધડાકો કરવાના છે. જો આ થયું તો શિસ્તબદ્ધ ગણાતા ભાજપની અંદર કેવી સખળ-ડખળ ચાલે છે એ બાબત પણ સપાટી પર આવી જશે. 

લગભગ બે ચાર દિવસથી અંદરખાને ચાલી રહેલ આ વિખવાદ અંગે ભાજપના સ્થાનિક જવાબદારો સામે વાતચીત કરવામાં આવતા એમણે હાલ કંઇ ન હોવાનું રટણ કયુૃં છે પરંતુ મોટા ભાગના લોકો જાણે છે કે દાળમાં કંઇ કાળુ તો છે જ. જો ખરેખર આવુ થશે તો ઇતિહાસમાં પહેલી વાર એવું થશે કે ભાજપના કોઇ પદાધિકારી ચાલુ ટર્મમાં જ પોતાનોપદનો ત્યાગ કરીને બીજા પક્ષમાં પ્રવેશ કરશે. જોઇએ ઉંટ કઇ પેઠે બેસે છે.

શાસકપક્ષના નેતાના ભાઇનું હથિયારનું લાયસન્સ રદ થવાના કારણે વાસ્તવમાં લાગી છે આગ...?

હાઇકોર્ટે પણ ફરિયાદમાં આગળ વધવા રોક લગાવી છે

જામનગર મહાનગરપાલિકામાં ભાજપમાં અસંતોષ ફાટી નીકળ્યો હોવાની જે વાત અંદરખાને ચાલી રહી છે તેની પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું દેખાઇ રહ્યું છે તેમાંથી ખાસ કરીને એક કારણ એ પણ છે કે શાસકપક્ષના નેતા અમર મોદીના ભાઇ વિશાલ મોદીનું હથિયારનું લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યુૅ છે, કહેવાય છે કે ગઇ કાલે જ ખંભાળીયા કલેકટર તરફથી આ લાયસન્સ રદ કરાયુ છે અને તેમાં ખંભાળીયાના પોલીસ વડા તથા જામનગરના પોલીસ વડાના અભિપ્રાય પરવાના માટે નેગેટીવ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લાયસન્સ રદ કરવા બાબતે જે બે ફરિયાદને કારણભૂત ગણવામાં આવી છે તેમાંથી એક ફરિયાદ સામે તો ખુદ ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપી દીધો છે મતલબ કે મામલો કોર્ટમાં છે.

આમ છતાં વિશાલ મોદીનું હથિયાર લાયન્સ રદ કરવામાં આવતા સ્વાભાવિ રીતે ભાજપમાં શાક્ષક પક્ષ નેતા જેવુ પદ ધરાવતા અમર મોદીને આ એકશનથી ભારે આશ્ર્ચર્ય થયું છે અને લાયસન્સ રદ થવાની બાબતને લઇને તેઓ ખુબ નારાજ થયા હોવાનું કહેવાય છે અને આ બાબત પણ કયાંકને કયાંક જવાબદાર હોવાનું દેખાઇ રહ્યું છે. 

આ ઉપરાંત જામનગરના ધારાસભ્યને લઇને પણ એમનામાં ભારે અસંતોષ છે. ભાજપના ધારાસભ્ય સામે ભાજપના જ મહાનગરપાલિકાના પદાધિકારીની નારાજગી આખરે શું કામ છે? અને આ આખો મામલો શું છે તે બાબતને લઇને આગામી દિવસોમાં ભાજપની હાઇકમાન્ડ કદાચ બધા પાસેથી જવાબ માંગી શકે છે. ટુંકમાં જ ચિન્ગારી વોર્ડ નં. ૧ થી શરૂ થઇ છે તે જામનગરમાં ભાજપને કેટલી જફા પહોંચાડે છે તે જોવાનું રહ્યું અને સ્થાનિક નેતાગીરી અને જવાબદારો કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકે છે તે આવનારો સમય બતાવશે.

હું બીમાર છું, ભાજપમાં કોઇ ભંગાણ પડશે નહીં, ઘર હોય તો વાસણ ખખડે-બીનાબેન
ભાજપની અંદર જે સખળ-ડખળ ચાલી રહી છે એમાં સાચુ શું છે? આ અંગે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સાથે વાત કરવામાં આવતા જવાબ મળ્યો હતો કે ભાજપમાં કોઇ ભંગાણ પડશે નહીં, ઘર હોય ત્યાં વાસણ ખખડે, કોઇ મોટો પ્રશ્ર્ન નથી, અને કોઇ પદાધિકારી પક્ષને છોડીને અન્ય પક્ષમાં જશે નહીં. મારી તબિયત નાદુરસ્ત છે, એમણે કહ્યું હતું કે આવતીકાલે શહેર ભાજપ કાર્યાલયે જઇને તમામ બાબતોની ખરાઇ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application