દ્વારકાના કેનેડી ગામે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ
દ્વારકાના કેનેડી ગામે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ
October 29, 2026 12:51 PM
દ્વારકાના કેનેડી ગામે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેનેડી ગામ નજીક નર્મદાની મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કલ્યાણપુરથી ભાટીયા તરફ જતી નર્મદાની મેઇન લાઇન રોડ, રસ્તાની કામગીરી દરમ્યાન તૂટયુ હોવાની માહિતી સામે આવી છે. એક તરફ સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે, સમગ્ર જિલ્લામાં વરસાદ પડયો જ નથી તેમ કહી શકાય, હાલ જિલ્લામાં સમગ્ર તાલુકામાં તેમજ તમામ ગામોમાં પાણીની સમસ્યા છે, પાણીની વિકટ પરિસ્થિતિ સામે સરકાર સામનો કરી રહી છે, લોકો પાણી માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે કેનેડી ગામે નર્મદાની મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. હાલ આ પાણીની લાઇનથી જે લોકોને પાણી મળતુ હતુ તેમને પડયા પર પાટુ સમાન બન્યુ છે.
મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો મોટા પ્રમાણ વેડફાટ જોવા મળ્યો હતો, એક તરફ અનેક વિસ્તારોમાં લોકો પાણીની જરૂરિયાત માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ નર્મદાનું કિંમતી પાણી આ રીતે વેડફાતા પાણીના સંરક્ષણ સામે સવાલો ઉભા થયા છે.
ઘટનાની જાણ પાણી પુરવઠા વિભાગને થતા વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો વધુ બગાડ અટકાવવા માટે સમારકામની કામગીરી હાથ ધરી હતી. પાણીની અછતની સ્થિતિ વચ્ચે નર્મદાની મુખ્ય લાઇનમાં આ રીતે ભંગાણ સર્જાતા પાણી પુરવઠાની લાઇનોની સુરક્ષા અને રસ્તાની કામગીરી દરમ્યાન જરી તકેદારી રાખવાની બાબત ફરી ચર્ચામાં આવી છે, રોડ રસ્તાની કામગીરી દરમ્યાન પાણીની મુખ્ય લાઇનને નુકશાન ન થાય તે માટે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઇ છે.