જામનગર: કાલાવડની રણુજા ચોકડી પાસે નગરપાલિકાનું બુલડોઝર ફરશે
દબાણકર્તાઓએ સ્વેચ્છાએ સામાન ખસેડ્યો, આજથી ડીમોલિશન શરૂ
કાલાવડ શહેરમાં ટ્રાફિક અને વાહનવ્યવહાર માટે અત્યંત નડતરરૂપ બનેલા રણુજા ચોકડી વિસ્તારમાં આખરે નગરપાલિકા દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રણુજા ચોકડીની આજુબાજુના વિસ્તારમાં લાંબા સમયથી ખડકાઈ ગયેલા અને રસ્તાને અવરોધતા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા આજથી વ્યાપક ડીમોલિશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
આ કામગીરી સંદર્ભે કાલાવડ નગરપાલિકા દ્વારા અગાઉથી જ આયોજનબદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા રણુજા ચોકડી આસપાસના ૧૯ જેટલા કોમર્શિયલ તથા રહેણાંક મકાનો અને દુકાનોના માલિકોને નિયમ મુજબ આખરી નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ મળ્યા બાદ સ્થાનિક મિલકતધારકો દ્વારા પણ તંત્રને સહયોગ આપવાનો અભિગમ દાખવવામાં આવ્યો હતો.
તંત્રના આકરા વલણ અને આપેલી મુદતને ધ્યાનમાં રાખીને ગઈકાલે જ અનેક દુકાનદારો તથા મકાનમાલિકોએ પોતપોતાની રીતે જ સ્વેચ્છાએ પોતાના મકાનો અને દુકાનોના નડતરરૂપ ભાગો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ગઈકાલે આખો દિવસ લોકો પોતાની ઘરવખરી, વેપાર-ધંધાનો સામાન તથા અન્ય ચીજવસ્તુઓ સલામત સ્થળે ખસેડવામાં વ્યસ્ત રહ્યા હતા, જેથી ડીમોલિશન વખતે મોટા નુકસાનથી બચી શકાય.
આ સમગ્ર કામગીરી અંગે કાલાવડ નગરપાલિકાના ચીફ ઓફિસર નિકુંજ વોરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અગાઉ નોટિસ આપ્યા બાદ લોકોએ સ્વેચ્છાએ સામાન ખસેડી લીધો છે અને આજથી નગરપાલિકાની ટીમ દ્વારા વિધિવત રીતે ડીમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. રણુજા ચોકડી જેવા મહત્વના અને સતત ધમધમતા વિસ્તારમાંથી દબાણો દૂર થતાં જ આ વિસ્તારમાં વાહનવ્યવહાર સુગમ બનશે અને સ્થાનિક રહીશો તથા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.