BREAKING NEWS

જામનગર શહેરમાં આવતીકાલે શ્રાવણી લોકમેળો શરૂ થશે ? સળગતો સવાલ..

  • August 31, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં આવતીકાલે શ્રાવણી લોકમેળો શરૂ થશે ? સળગતો સવાલ..

​​​​​​​સોમવારે બપોર સુધી ૧૩ મોટી રાઇડસને પરફોર્મન્સ લાયસન્સ હજુ મળ્યા નથી

બાકી રહેલા ચાર પ્લોટની આવતીકાલે સાંજે પુન: જાહેર હરાજીના મનપાના નિર્ણયથી આશ્ર્ચર્ય: શ્રાવણી મેળાનો રૂ. પ કરોડનો વિમો લેવાયો

જામનગર મહાનગરપાલીકા દ્વારા ચાલુ વર્ષે ૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી છે. કાલે ૧ સપ્ટેમ્બર છે. પરંતુ મેળો શરૂ થવાના એક દીવસ પૂર્વે એટલે કે સોમવારે બપોર સુધીમાં શ્રાવણી મેળાની ૧૩ મોટી રાઇટસને પરોફોર્મન્સ લાયસન્સ હજુ મળ્યા નથી. આટલું જ નહીં મેળા સામે કરવામાં આવેલા દાવાના કાનૂની જંગમાં સોમવારે બપોર બાદ સુનાવણી થશે. તદઉપરાંત બાકી રહેલા ચાર પ્લોટની આવતીકાલે સાંજે પુન: જાહેર હરાજી કરવાનો મનપાના નિર્ણય કર્યો છે. આ કારણોથી શહેરમાં આવતીકાલે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો શરૂ થશે કે કેમ તેની સામે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. 

જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા ચાલુ વર્ષે તા.૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવાની વીસેક દીવસ પૂર્વે કરવામાં આવી છે. પરંતુ શ્રાવણી લોકમેળો શ‚આતથી જ ચકડોળે ચડયો છે. કારણ કે, શ્રાવણી લોકમેળાના ૪૩ પ્લોટના ઓફલાઇન અને ઓનલાઇન ટેન્ડરમાં ૧૬ પ્લોટના ટેન્ડરનું કોકડું ગુંચવાયું હતું. આ કોકડું ઉકેલવા મનપાના અધિકારીઓને ભારે મથામણ કરવી પડી હતી અને આખરે પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી. આમ છતાં ૪ પ્લોટ ખાલી રહ્યા છે. આથી મનપાને ગત વર્ષ કરતા આવકમાં રૂ.૩૭ લાખ જેટલો ફટકો પડયો છે. આ આર્થિક ફટકા માટે જવાબદાર કોણ તે સળગતા સવાલની સાથે આ મુદો ભારે ચર્ચાની સાથે ખરાઅર્થમાં તપાસનો વિષય બન્યો છે.  

નવાઇની વાત તો એ છે કે, શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મનપા દ્વારા કાલથી શ્રાવણી લોકમેળાના પ્રારંભની જાહેરાત કરવામાં આવી છે. શ્રાવણી લોકમેળામાં પ્રદર્શન મેદાનમાં જે રાઇડસ ફીટ કરવામાં આવશે તેના માટે નિયમ મુજબ શહેરની પ્રાંત અધિકારી કચેરીમાંથી પરફોમન્સ લાયસન્સ મેળવવાના રહે છે.  મેળામાં બાળકો સહિત લોકો માટે ૧૩ મોટી અને સાત નાની યાંત્રિક રાઈડ સહિતની રાઈડ લગાવવામાં આવી છે. મેળાના ત્રણ આયોજકોએ યાંત્રિક રાઈડના સંચાલન માટે જ‚રી લાઇસન્સ મેળવવા પ્રાંત અધિકારીની કચેરીમાં અરજી કરી છે.પરંતુ સોમવારે બપોરે ૧ વાગ્યા સુધી ૧૩ મોટી રાઇડસના પરફોર્મન્સ લાયસન્સ હજુ મળ્યા નથી.  કારણ કે, નિયમ મુજબ રાઇડસના પરફોમન્સ લાયસન્સ માટે નિયત કરેલા સભ્યોની સમિતિના અઘ્યક્ષનો હકારાત્મક રિપોર્ટ જરૂરી છે.

પરંતુ અઘ્યક્ષનો હકારાત્મક રિપોર્ટ આવ્યો નથી. આથી રાઇડસના પરફોમન્સ લાયસન્સ હજુ ઇસ્યુ કરાયા નથી અને પરફોમન્સ લાયસન્સ વગર રાઇડસ ચાલુ ન કરી શકાય. તદઉપરાંત મનપાના શ્રાવણી લોકમેળા સામે અદાલતમાં દાવો કરવામાં આવ્યો છે. આ દાવામાં અદાલત દ્વારા ઉચ્ચ સતાવાળાઓને નોટીસ ફટકારી શનિવારના હાજર રહેવા હુકમ કર્યો હતો. જેમાં સોમવારે વધુ સુનાવણી રાખવામાં આવતા તેના પર સૌની મીટ મંડાઇ છે. 

આટલું જ નહીં મેળાના સૌથી મોટા મશીન મનોરંજનના એક તથા આઇસક્રીમના ૨ તથા ખાણીપીણીના એક પ્લોટ કે જેની પ્રથમ જાહેર હરાજીમાં પણ કોઇ બોલી ન બોલાતા ખાલી રહ્યા હતાં. આ ચારેય પ્લોટ ખાલી રહેતા મનપાને ગત વર્ષ કરતા આવકમાં રૂ.૩૭ લાખનો ફટકો પડતા આ માટે જવાબદાર કોણ તે અણઉકેલ કોયડો બન્યો છે. ત્યારે આ ચારેય બાકી પ્લોટની કાલે એટલે કે મનપાની જાહેરાત અનુસાર શ્રાવણી મેળાના પ્રથમ દીવસે ૧ સપ્ટેમ્બરના સાંજે પુન: જાહેર હરાજી રાખવામાં આવતા મનપાના આ નિર્ણયથી આશ્ર્ચર્યની સાથે અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application