BREAKING NEWS

જામનગરમાં શ્રમિક યુવાન પાસે રાક્ષસી વ્યાજની વસુલાત

  • August 08, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શ્રમિક યુવાન પાસે રાક્ષસી વ્યાજની વસુલાત

૧૩ લાખના ૨૨ લાખ ચુકવવા છતા પઠાણી ઉઘરાણી : બાઇક ઝુટવી લીધું : બે વ્યાજખોર સામે ફરીયાદથી ચકચાર

જામનગરમાં વ્યાજખોરો થોડો સમય શાંત રહયા બાદ ફરી માથુ ઉચકયુ હોય તેમ તાજેતરની બે ફરીયાદ બાદ વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો છે, ગ્રીનપાર્કમાં રહેતા શ્રમિક યુવાન પાસેથી તોતીંગ વ્યાજ વસુલી ગાડી ઝુંટવી લઇ અને પઠાણી ઉઘરાણી કરીને ધમકી દીધાની કાલાવડ નાકા બહાર રહેતા બે વ્યાજખોર સામે વિધિવત પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે, વ્યાજે લીધેલી ૧૩ લાખની રકમનું ૨૨ લાખ ચુકવણુ કરવા છતા બળજબરી કરવામાં આવી હતી.

જામનગરના કાલાવડ નાકા બહાર એસટી ડીવીઝન પાસે ગ્રીન પાર્ક શેરી નં. ૧માં રહેતા અમન યુનુસભાઇ મલેક (ઉ.વ.૨૩) નામના શ્રમિક યુવાનની ઘરની આર્થિક પરિસ્થીતી નબળી હોય અને રૂપીયાની જરૂરીયાત ઉભી થતા આરોપીઓ પાસેથી કટકે કટકે અંદાજે ૧૩ લાખ જેટલી રકમ માસિક ૨૦ ટકા લેખે વ્યાજે લીધી હતી.

જે પૈકી બંને આરોપીઓને આજ સુધી કુલ રૂ. ૨૨ લાખ વ્યાજ ગુગલ પે તથા રોકડેથી ચુકવી આપેલ હોય તેમ છતા બંને આરોપીઓ ફરીયાદીના બેંકના બે ચેક બળજબરીથી લઇ ગયેલ હોય અને ફરીયાદીના નામની એકસેસ મોટરસાયકલ નં. જીજે૧૦ડીકયુ-૧૨૩૦ બળજબરીથી લઇને પોતાના કબ્જામાં રાખી હતી.

ઉપરાંત આરોપીઓએ અપશબ્દો કહી મુળ રકમ તથા હજુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય તેમજ ફરીયાદીને ચેક બાઉન્સ કરી નેગોશીએબલની ફરીયાદ કરવાની તેમજ તારા પગ ભાંગી નાખીશ તેવી ધમકી આપતા હોય આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો.

આ અંગે અમનભાઇ મલેક દ્વારા સીટી-એ ડીવીઝનમાં ગત મોડી રાત્રીના કાલાવડ નાકા બહાર ગરીબ નવાઝ પાર્ક-૨, શેરી નં. ૬માં રહેતા અનિષ યુસુફ મીનાણી-ગરાણા તથા તૌફીક યુસુફ મીનાણી નામના બે શખ્સો વિરુઘ્ધ બીએનએસ કલમ ૩૦૮(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા મનીલેન્ડર્સ એકટ મુજબ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ડી.જી. રામાનુજ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં થોડો સમય શાંત રહયા બાદ વ્યાજખોરોએ ફરી માથુ ઉચકયુ છે, તાજેતરમાં બે વ્યાજખોર સામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી, વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો છે. જેના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application