જામનગર: જી.જી.હોસ્પિટલમાં પોરબંદરના બાળકનું મોત, ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ
બાળકો માટે જોખમી વાયરસના શંકાસ્પદ-પોઝીટીવ કેસમાં મૃત્યુઆંક ૧૧ થયો
ત્રણેક દીવસ પૂર્વે અઢી વર્ષના બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો
જામનગરની જી.જી.હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે આવેલા પોરબંદરના બાળકનું મૃત્યુ નિપજયું છે. જો કે, તેનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ત્રણેક દીવસ પૂર્વે અઢી વર્ષના બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બાળકો માટે જોખમી વાયરસના શંકાસ્પદ અને પોઝીટીવ કેસમાં મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે શંકાસ્પદ કેસનો આંકડો ડઝનથી પણ વધુ છે. આટલું જ નહીં ૯ જેટલા બાળકોના મૃત્યુ પણ નિપજયા છે. જેમાંથી બે બાળકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સ્થિતિમાં શહેરમાં ચારેક દીવસ પૂર્વે ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. કનસૂમરા પાટીયા પાસે આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી એક ૩ વર્ષની બાળકીને ભારે તાવ, આંચકી સહીતના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં આ બાળકીની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન આ બાળકીનું મૃત્યુ નિપજયું હતું. આથી ચાંદીપુરાના શંકાસ્પદ અને પોઝીટીવ કેસમાં મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો હતો. બીજી બાજુ ત્રણેક દીવસ પૂર્વે પોરબંદરના અઢી વર્ષના બાળકને તાવ,આંચકી સહીતના ચાંદીપુરના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બાળકની હાલત પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ બાળકનોે ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ આ બાળકની હાલત ગંભીર હોય સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું. આમ, બાળકો માટે જોખમી ચાંદીપુરના શંકાસ્પદ અને પોઝીટીવ કેસમાં મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો છે.