BREAKING NEWS

કાલે હાલાર સહિત દેશભરના દવાના વેપારીઓ પાડશે બંધ

  • May 19, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલે હાલાર સહિત દેશભરના દવાના વેપારીઓ પાડશે બંધ

વ્યવસાયમાં પારદર્શીતા જળવાઇ રહે તેની માંગ સાથે કરાશે બંધનું એલાન: ઇમરજન્સી દવાઓ માટે કરાઇ વ્યવસ્થા

આવતીકાલે હાલાર સહિત દેશભરના દવાના વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, એસોસીએશન દ્વારા દર્દીઓને આપાતકાલીનમાં તકલીફ ન પડે તે માટે ઇમરજન્સી દવાની વ્યવસ્થા કરવામાં આવી છે, આવતીકાલે સમગ્ર ભારતમાં અંદાજે સાળા બાર લાખથી વધુ કેમીસ્ટ વેપારીઓ દ્વારા મેડીકલ સ્ટોરને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જામનગર, ધ્રોલ, લાલપુર, જામખંભાળીયા, દ્વારકા સહિતના મેડીકલ સ્ટોરો આવતીકાલે બંધના એલાનમાં જોડાશે.

ધ્રોલ શહેરમાં કુલ ૩૦ મેડીકલ સ્ટોરો આવેલા છે, તેમાંથી ૨૭ મેડીકલ સ્ટોરો હડતાલમાં જોડાશે, જયારે ૩ મેડીકલ સ્ટોરો ઇમરજન્સી દવા માટે ખુલ્લા રાખવામાં આવશે, તેવી જ રીતે લાલપુરમાં પણ બે મેડીકલ સ્ટોરો ખુલ્લા રહેશે. જામખંભાળીયામાં પણ ઇમરજન્સી માટે મેડીકલ સ્ટોરો ખુલ્લા રાખવામાં આવનાર છે.

આ હડતાલની મુખ્ય માંગણી દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા વ્યવસાયમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુસર આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ નિર્ણય દર્દીઓના હિત, જનઆરોગ્ય સુરક્ષા માટે તેમજ દવા ક્ષેત્રમાં વધી રહલા ગેરવ્યવહાર અંગે લેવાયો છે.

જામનગર કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ અસો.ના ચેરમેન નાથાલાલ કપૂરિયા, પ્રમુખ હિરેન સાંગાણી તથા સેક્રેટરી વિપુલભાઈ પટેલ દ્વારા અક નિવેદનમાં જણાવ્યાનુસાર તા. ર૮-૮-ર૦૧૮ થી ઓનલાઈન દવાઓના વેંચાણ માટે માર્ગ મોકળો થયો હતો, પણ અનેક બીનઅનિયમિત પ્લેટફોર્મ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે, જેના કારણે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, જેમાં ડોક્ટરોના યોગ્ય પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓના વેંચાણનો ભય, દર્દીઓને ખોટી/નકલી, સમયમર્યાદા નજીકની અથવા શંકાસ્પદ દવાઓ મળવાની શક્યતા રહે છે. આથી આ જીએસઆર ૮૧૭(ઈ) નિયમ પાછો ખેંચવા અને તેના સ્થાને કડક અને સમાન નિયંતરણ લાદવાની માગણી કરવામાં આવી છે.

મોટા કોર્પોરેટ્સ ગ્રુપ તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા દર્દીઓને આકર્ષવા માટે ભરે ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે જેના કારણે નાના અને મધ્યમ કેમીસ્ટોના વ્યવસાય ખોરવાય છે. સસ્તી કિંમતના નામે દવાઓની ગુણવત્તા અંગે શંકા ઊભી થાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ડુપ્લીકેટ દવાઓનું ખૂબ મોટાપાયે વેંચાણ થાય છે. ડુપ્લીકેટ દવાઓના કારણે દર્દીઓના આરોગ્ય જોખમમાં મૂકાય છે. જીએસઆર રર૦(ઈ) ની જોગવાઈના ગેરઉપયોગથી બીનઅધિકૃત સપ્લાય ચેઈન અને શંકાસ્પદ સ્ત્રોતોથી દવાઓના પ્રવેશ અંગે પણ ચિંતાજનક સ્થિતિ છે. તેના કારણે નકલી/સ્પુરીયસ દવાઓનું જોખમ રહે છે.

આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. અસલી દવાઓની સપ્લાય સિસ્ટમ ઉપર પણ નકારાત્મક અસરો થાય છે. આથી જીએસઆર રર૦(ઈ) ની સમીક્ષા કરી દર્દીઓની સુરક્ષા માટે તેને પરત ખેંચવા માગણી કરવામાં આવી છે.

ખંભાળિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આ મુદ્દે જણાવ્યા મુજબ ડોક્ટરના યોગ્ય પ્રેસ્ક્રિપ્શન વગર વેંચાતી દવાઓ, દર્દીઓને ખોટી કે સમય મર્યાદા નજીકની અથવા શંકાસ્પદ દવાઓ મળવાની સંભાવના વચ્ચે દર્દીઓની સલામતી અને દવા નિયંત્રણ વ્યવસ્થાને જોખમાય તેવી પરિસ્થિતિ વચ્ચે સરકારના જીએસઆર ૮૧૭ (ઈ) ને પાછું ખેંચી કડક અને સમાન નિયંત્રણની માંગ કરવામાં આવી છે. આટલું જ નહીં, કોર્પોરેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ડીપ ડિસ્કાઉન્ટના કારણે નાના અને મધ્યમ કેમિસ્ટનો વ્યવસાય ખોવાઈ જવા તેમજ સસ્તી કિંમતના નામે ગુણવત્તા અંગે ઉભી થતી શંકાઓ તેમજ ઓનલાઇન પ્લેટફોર્મ પર ડુપ્લીકેટ દવાઓના મોટાપાયે થઈ રહેલા વેચાણ સહિતના વિવિધ મુદ્દે અહીંના દવા વિક્રેતાઓ દ્વારા આવતીકાલે બુધવારે સામુહિક રીતે પોતાની દુકાનો બંધ રાખી, વિરોધ વ્યક્ત કરવામાં આવનાર છે. 

ખંભાળિયા વિસ્તારમાં દર્દીઓને બંધ દરમિયાન હાલાકી ન થાય તે હેતુથી અત્રે વિજય સિનેમા રોડ પર આવેલી તેલી નદીના પુલ પાસે શ્યામ મેડિકલ સ્ટોર ખાતે ઈમરજન્સી દવા પ્રાપ્ય બની રહેશે. આ હડતાળ આંદોલનમાં જોડાઈને સહયોગ આપવા ખંભાળિયાના મેડિકલધારકોને એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ ગોકાણી તથા સદસ્યો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના હોદ્દેદારોએ જામનગરમાં તા. ર૦/પ ના બંધના એલાનને ધ્યાને લઈને પોતાની જીવનજરૂરી દવાઓ અગાઉથી મેળવી લેવા અનુરોધ કર્યો છે.​​​​​​​

જામનગરમાં કાલે ઇમરજન્સી દવાઓ માટે એસોસિએશન દ્વારા કરાઇ વ્યવસ્થા:
સોહમ મેડીકલ (સમર્પણ હોસ્પિટલ), ૨) ઓશવાળ હોસ્ણિટલ ફાર્મસી (દિગ્વીજય પ્લોટ), ૩) રીયા મેડીસીન (જેસીસી હોસ્પિટલ-જોલી બંગલો), ૪) યુનિક મેડીકલ (યુનિક હોસ્પિટલ-એસટી બસ સ્ટેનડ સામે), ૫) રીમ ફાર્મસી (રીમ હોસ્પિટલ વાલ્કેશ્ર્વરી નગરી), ડિવાઇન ફાર્મસી(ગુલાબનગર), ૬) જનતા મેડીકલ સ્ટોર્સ (જી.જી.હોસ્પિટલ), ૭) શાલિગ્રામ મેડીકલ (શાલિગ્રામ હોસ્પિટલ-ગ્રીન સીટી) તથા આઇસીયુ યુનિટ મેડીકલ તથા તાલુકા લેવલે એક મેડીકલ સ્ટોર કાર્યરત રહેશે. ધ્રોલ, લાલપુર, ખંભાળીયા સહિતના શહેરોમાં પણ ઇમરજન્સી દવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application