રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત હવે કોઈપણ ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો, કંપનીઓ અને વેપારી પેઢીઓ પોતાના નામની સાથે 'ઓલ ઈન્ડિયા', 'નેશનલ' કે 'ભારતીય' જેવા પ્રતિષ્ઠિત શબ્દોનો ઉપયોગ પૂર્વ મંજૂરી વગર કરી શકશે નહીં. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના સંબંધિત તમામ વિભાગોને આ નવા નિયમોની કડક અમલવારી કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ ખાનગી એકમ મંજૂરી મેળવ્યા બાદ પણ આવા શબ્દોનો ઉપયોગ કરવા માગતું હોય, તો તેણે પોતાના નામની સાથે ફરજિયાતપણે એવું દર્શાવવું પડશે કે ‘આ એક ખાનગી સાહસ છે અને તેને સરકાર સાથે કોઈ લેવાદેવા કે સરકારી ઉદ્દેશ નથી’. આ જોગવાઈનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો સાથે થતી છેતરપિંડી અટકાવવાનો છે.
હાલના સમયમાં એવું જોવા મળતું હતું કે અનેક ખાનગી સંસ્થાઓ અને પેઢીઓ પોતાને સીધા સરકારી વિભાગો તરીકે દર્શાવીને નાગરિકોને ગેરમાર્ગે દોરતી હતી. આ એકમો પોતાના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, ઓફિસના બોર્ડ તેમજ વેબસાઇટ્સ પર અશોક સ્તંભ, અશોક ચક્ર અને સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપતા હતા. પરિણામે, સામાન્ય નાગરિકો છેતરાઈને પોતાના ખાનગી કામોને સરકારી સમજી બેસતા હતા અને નાણાં કે કિંમતી દસ્તાવેજો ગુમાવતા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ આ કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
આ નિયમનો ચુસ્ત અમલ કરાવવા માટે નોંધણી કરતી કચેરીઓને પણ વિશેષ સૂચનાઓ અપાઈ છે. કંપનીઓ અને ટ્રેડમાર્ક વગેરેની નોંધણી કરતી વેળાએ જ સ્ક્રીનિંગ પ્રક્રિયા દરમિયાન આવા ભ્રામક નામ અને સરકારી પ્રતીકો દર્શાવતી ફાઈલોને તુરંત જ નામંજૂર કરી દેવા માટે તાકીદ કરાઈ છે. આ ઉપરાંત રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ અને સહકારી વિભાગને પણ રજિસ્ટ્રેશનના પ્રારંભિક તબક્કે જ આ બાબતે વિશેષ ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
નવા નિયમો અંતર્ગત કયા શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે પૂર્વ મંજૂરી વિના 'ઓલ ઈન્ડિયા', 'નેશનલ', 'ભારતીય', 'મંત્રાલય', 'બ્યુરો', 'કમિશન' અને 'સેન્ટર' જેવા પ્રભાવશાળી શબ્દોનો ઉપયોગ ખાનગી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે કરી શકાશે નહીં. તંત્રના આ કડક પગલાથી નકલી સરકારી ઓળખ ઊભી કરીને ચાલતી ઠગાઈની પ્રવૃત્તિઓ પર લગામ કસાશે તેવી પૂરી આશા છે.