દ્વારકાના નરસંગ ટેકરી, મોડેલ સ્કૂલ પાસે આવેલા ગયા કોઠા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય પરિણીતાએ પતિ સાથે વાતચીત કરવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં મનદુ:ખ અનુભવી એસિડ પી લેતાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના માતાએ દ્વારકા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી ધીબાઈ નંઢાભા માણેક (ઉં.વ. ૨૭) નામની પરિણીતાના લગ્ન આશરે ત્રણેક વર્ષ પૂર્વે થયા હતા. ગત તા. ૬ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સુમારે પરિણીતાને પોતાના પતિ સાથે વાતચીત કરવી હતી, પરંતુ પતિ આખો દિવસ કામ કરીને થાકી ગયા હોવાથી વાત કરવાની ના પાડીને સૂઈ ગયા હતા. પતિએ વાત કરવાની ના પાડતાં આ બાબતનું ધીબાઈને ભારે ખોટું લાગી આવ્યું હતું. જેના કારણે આવેશમાં આવી જઈ પરિણીતાએ પોતાના ઘરે શૌચાલયમાં પડેલી એસિડની બોટલમાંથી જાતે જ એસિડ ગટગટાવી લીધું હતું. ગંભીર હાલતમાં તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.
આ કરુણ બનાવ અંગે વાચ્છુ ગામના વાડી વિસ્તારમાં રહેતા મૃતકના માતા સીતાબેન માંડણભા જેઠાભા સુમણીયાએ દ્વારકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.