જામનગર-અમૃતસર એક્સપ્રેસવેની ગુણવત્તા સામે ગંભીર આક્ષેપો
ભારતમાલા પ્રોજેક્ટના નામે ભ્રષ્ટાચારનું ગાબડું
ઉદ્ઘાટન પહેલાં જ ૧૫૧ - નેશનલ હાઈવેનું ધોવાણ: સોશ્યલ મીડીયામાં વિડીયો-ફોટા વાયરલ થતા લોકોમાં રોષ
જામનગર-અમૃતસર નેશનલ હાઈવે ૧૫૧- ના નિર્માણ કાર્યમાં ચાલતી ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ ચોમાસાના માત્ર એક જ સામાન્ય વરસાદે કરી દીધો છે. ધ્રોલ નજીક આવેલા માવાપર પાસે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણધીન આ હાઈવેનું કામ હજુ તો પૂર્ણ પણ નથી થયું અને રોડ ચાલુ થાય તે પહેલાં જ ધ્વસ્ત થવા લાગ્યો છે. ચોમાસાના પ્રારંભિક અને સામાન્ય વરસાદી પાણીના વહેણમાં જ રોડની આખી સાઈડો ધોવાઈ ગઈ છે તેમજ રોડની સાઈડોમાં બનાવેલ ૫ જેટલી દિવાલો પણ પડી ગઈ છે, આ આકાશી પ્રોજેક્ટની મજબૂતી અને તેની નિર્માણ કરતી એજન્સીની કામગીરી પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ખડું થયું છે.
સોશિયલ મીડિયા અને સ્થળ પરથી સામે આવેલા વીડિયો તથા ફોટોગ્રાફ્સ સ્પષ્ટપણે ચાડી ખાય છે કે ટેન્ડર શરતો મુજબનું ગુણવત્તાયુક્ત કામ કરવાને બદલે માત્ર કાગળ પર કામ બતાવીને સરકારી તિજોરીને ચૂનો લગાવવાનું કારસો રચવામાં આવ્યું છે.
આ કોઈ સામાન્ય ગ્રામીણ રસ્તો નથી, પરંતુ દેશના અત્યંત મહત્વકાંક્ષી ભારતમાલા પ્રોજેક્ટનો ભાગ છે, જેના પર ભવિષ્યમાં હજારો વાહનો અતિ ઝડપે દોડવાના છે. જે રસ્તો મામૂલી વરસાદી પાણીનો પ્રવાહ પણ સહન કરી શકતો નથી, તે ભવિષ્યમાં ભારે વાહનોનો ભાર અને મુસળધાર વરસાદ કેવી રીતે ઝીલશે તે એક સળગતો સવાલ છે.
આ પ્રકારનું ધોવાણ સ્પષ્ટ કરે છે કે રોડના સબ-બેઝ, ભરાવ અને સાઈડ શોલ્ડરના નિર્માણમાં ગુણવત્તાના તમામ ધોરણોને નેવે મૂકીને લોટમાં સીમેન્ટ ઉમેરવા જેવું હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું છે. જો હજુ ઉદ્ઘાટન પણ નથી થયું ત્યાં જ રોડના આ હાલ હોય, તો આગામી દિવસોમાં આ હાઈવે પરથી પસાર થતાં નિર્દોષ વાહનચાલકો માટે આ રસ્તો મરણચીસ સમાન પમોતનો કૂવોથ સાબિત થાય તો તેમાં કોઈ નવાઈ નથી. જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે પાણીમાં વહાવી દેનારા કૌભાંડીઓ લોકોના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમી રહ્યા છે.
આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને આ માત્ર એક અકસ્માત કે કુદરતી હોનારત નથી પરંતુ માનવસર્જિત ગુનો છે. સંબંધિત વહીવટીતંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી અને ઉચ્ચ કક્ષાના નિષ્ણાંત અધિકારીઓની એક તટસ્થ ચોકસાઈ સમિતિ બનાવીને આ સમગ્ર ધ્રોલ-માવાપર સેક્શનની તાત્કાલિક ધોરણે તકનીકી તપાસ કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે.
માત્ર કાગળ પર તપાસના નાટક કરવાને બદલે, આ નબળું અને ભ્રષ્ટ કામ કરનારી કોન્ટ્રાક્ટર એજન્સી તેમજ તેના કામ પર આંખ આડા કાન કરનારા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડકમાં કડક ફોજદારી અને કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. ભ્રષ્ટ એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે અને લોકોના જીવના જોખમે ખિસ્સા ભરનારા તમામ જવાબદારો સામે દાખલો બેસે તેવા કડક પગલાં ભરવામાં આવે તેવી રોષે ભરાયેલી જનતાની ઉગ્ર માંગણી છે.