દ્વારકા જિલ્લામાં પાણીની અછતથી ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં
હેક્ટરદીઠ રૂ. ૮,૫૦૦ની સહાય અપૂરતી હોવાની રજૂઆત સાથે ખંભાળિયા તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન નહિવત વરસાદને કારણે ખેતી અને પશુપાલન પર ગંભીર અસર જોવા મળી રહી છે. વરસાદના અભાવે ખરીફ પાક નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ પીવાના પાણી અને ઘાસચારાની અછતને કારણે પશુપાલકો સામે પશુધનને બચાવવાનો મોટો પડકાર ઊભો થયો છે. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દુષ્કાળ રાહત સહાય સામે પણ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે જામ ખંભાળિયા તાલુકા પંચાયતના ભાજપના સભ્યો અને વિવિધ ગામોના સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાહત પેકેજ અંગે ફેરવિચારણા કરવાની માંગ કરવામાં આવી છે. હેક્ટરદીઠ રૂ. ૮,૫૦૦ની સહાય હાલની પરિસ્થિતિમાં અપૂરતી હોવાનું જણાવી ખેડૂતોને વધુ આર્થિક સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે નક્કર આયોજન કરવા, પશુપાલકોને નિયમિત ઘાસચારો મળી રહે તે માટે વધુ ઘાસડેપો શરૂ કરવા તેમજ ખેડૂતો અને ખેતમજૂરો માટે રોજગારીની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આવક પર ગંભીર અસર પડી છે. બિયારણ, ખાતર, દવાઓ અને ખેતી પાછળ ખર્ચેલા નાણાંની સામે ઉત્પાદન ન મળતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જો સરકાર દ્વારા રાહત પેકેજમાં યોગ્ય ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સરપંચો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના ચુર ગામમાં જોવા મળી રહી છે. અંદાજે ૧,૭૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં વરસાદના અભાવે ખેતીની સાથે પાણી અને ઘાસચારાની પણ ભારે તંગી ઊભી થઈ છે. પરિણામે પશુપાલન પર નિર્ભર પરિવારો માટે પોતાના પશુધનને નિભાવવા મુશ્કેલ બન્યું છે.
ચુર ગામના ખેડૂત અને પશુપાલક રામભાઈ દેવશીભાઈ લગારિયા પોતાના વહાલસોયા આઠ ભેંસ અને એક ગાયને બચાવવા માટે અન્ય જિલ્લામાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. પોતાના પશુઓને આઇસર વાહનમાં ભરીને વતન છોડતી વખતે તેમની આંખોમાં જોવા મળેલી વેદના અને લાચારી હૃદયદ્રાવક બની રહી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગામમાં પાણી અને ઘાસચારાની અછતને કારણે અત્યાર સુધીમાં ચારથી પાંચ જેટલા પરિવારો પોતાના આશરે ૩૫થી ૪૦ પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. સરપંચ પ્રતિનિધિ વીરાભાઈના જણાવ્યા મુજબ, ગામમાં અત્યાર સુધીમાં આશરે ૪૦ પશુઓ વેચાઈ ચૂક્યાં છે. ઘાસચારો અને પાણી ઉપલબ્ધ ન થતાં કેટલાક પશુપાલકોને પોતાનાં પશુઓ સસ્તા ભાવે વેચવાની ફરજ પડી રહી છે.
ચોમાસાની સિઝન પૂર્ણ થવા છતાં પૂરતો વરસાદ ન પડતાં ખેતીની આવક બંધ થઈ છે અને હવે પશુધનને જીવાડવું પણ મુશ્કેલ બન્યું છે. સમયસર પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી ચિંતા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્જાયેલી દુષ્કાળ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને પશુપાલકોને પૂરતી આર્થિક સહાય, પીવાનું પાણી, પશુઓ માટે ઘાસચારો અને રોજગારી ઉપલબ્ધ કરાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
ખેડૂતોનું કહેવું છે કે માત્ર મર્યાદિત આર્થિક સહાયથી હાલની મુશ્કેલીઓનો ઉકેલ શક્ય નથી. પાક નિષ્ફળ જવાથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાહત પેકેજમાં વધારો કરવો જરૂરી છે. સાથે જ પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે નક્કર આયોજન કરવામાં આવે અને પશુધનને બચાવવા તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ છે.
એક તરફ રાહત પેકેજ અંગે નારાજગી અને બીજી તરફ પશુધન સાથે હિજરત કરતા પરિવારોની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઊભી થયેલી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું છે. હવે સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને કેટલી ઝડપથી રાહત મળે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
અન્ય ગામોમાં પણ ખેતી અને પશુપાલન પર સંકટ:
કલ્યાણપુર તાલુકાનાં ચુર ઉપરાંત સોડસલા, વિસોત્રી, હરિપર, ગોઈંજ અને બારા સહિતનાં ગામોમાં પણ ઓછા વરસાદને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેતરોમાં પાક સુકાઈ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.પાણીની અછતને કારણે તળાવો અને કૂવાઓમાં પાણીના સ્તર ઘટતાં શિયાળુ પાકનું વાવેતર કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. બીજી તરફ પશુઓ માટે ઘાસચારો અને પાણી મેળવવામાં પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાની ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માંગ:
ચુર ગામના ગ્રામજનો અને પશુપાલકોની મુખ્ય માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરે. ખાસ કરીને સૌની યોજના મારફતે સાની ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, સાની ડેમમાં પાણી પહોંચાડવામાં આવે તો આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તરમાં સુધારો થવાની શક્યતા છે, જેના કારણે પીવાના પાણીની સમસ્યા હળવી થવા ઉપરાંત પશુધન અને ખેતીને પણ રાહત મળી શકે છે.