BREAKING NEWS

જામનગરમાં પણ ખેડૂતો મેદાનમાં: હાઇ વોલ્ટેજ પાવર લાઇન સામે રોષ

  • June 29, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પણ ખેડૂતો મેદાનમાં: હાઇ વોલ્ટેજ પાવર લાઇન સામે રોષ

૧૦૦ થી વધુ વાહનો સાથે જામનગરની ઠેબા ચોકડીથી ખેડૂતોનો કાફલો મોરબી જવા રવાના થયો: ચાલી રહેલા કિશાન આંદોલનમાં ભાગ લેશે

ગુજરાતમાં વીજ કંપનીઓ અને ખેડૂતો વચ્ચેનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. મોરબી જિલ્લામાં ચાલી રહેલા કિસાન આંદોલનની આગ હવે જામનગર જિલ્લા સુધી પહોંચી ગઈ છે. જામનગર જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરોમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજલાઈનો અને આડેધડ ઊભા કરવામાં આવતા મોટા થાંભલાઓના મુદ્દે હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. આ જટિલ સમસ્યાને લઈને ગઈકાલે જામનગરની ઠેબા ચોકડીથી ૧૦૦થી વધુ મોટરકાર અને અન્ય વાહનોના વિશાળ કાફલા સાથે એક રેલી યોજવામાં આવી હતી. આ રેલી મારફતે ખેડૂતોએ મોરબી જિલ્લાના જેતપુર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા કિસાન આંદોલનને પોતાનું મજબૂત અને સત્તાવાર સમર્થન જાહેર કર્યું છે.

આક્રોશિત ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખાનગી અને સરકારી પાવર કંપનીઓ દ્વારા ખેડૂતોની મંજૂરી કે યોગ્ય આયોજન વિના ખેતરોની મધ્યમાંથી હાઈ-ટેન્શન લાઈનો પસાર કરવામાં આવી રહી છે. આ લાઈનો અને વિશાળ ટાવરો ઉભા કરવાને કારણે ખેડૂતોનો કિંમતી ઊભો પાક સંપૂર્ણપણે નાશ પામે છે. વધુમાં, જે જમીન પર આ થાંભલા નાખવામાં આવે છે, તેની આસપાસની ખેતીલાયક જમીનનો ઉપયોગ હંમેશ માટે મર્યાદિત બની જાય છે. જેના કારણે ખેડૂતોને દર વર્ષે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. વળતરની પ્રક્રિયા પણ અત્યંત ધીમી અને અન્યાયી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.

રેલી દરમિયાન ખેડૂત અગ્રણીઓએ સભાને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે, આ લડત કોઈ એક ચોક્કસ સમાજ, જ્ઞાતિ કે વર્ગ પૂરતી સીમિત નથી, પરંતુ આ સમગ્ર ધરતીપુત્રોના હિત અને તેમના અસ્તિત્વને બચાવવાની લડાઈ છે. તેમણે સરકાર અને ખાનગી કંપનીઓની મિલીભગત પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, કંપનીઓની મનમાની અને સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે જ આજે ગ્રામીણ અર્થતંત્ર સંકટમાં મુકાયું છે. જો આ પ્રશ્નોનો વહેલી તકે સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જામનગર જિલ્લાને આવરી લેતું ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ માત્ર વીજલાઈનો જ નહીં, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવવામાં આવેલા જમીનને બિનખેતીમાં ‚પાંતરિત કરવા સંબંધિત નવા નિયમો સામે પણ ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે સરકારના નવા વહીવટી નિયમો ખેતી અને જમીન ખરીદ-વેચાણ તેમજ માલિકી હકની પ્રક્રિયાઓને વધુ જટિલ અને ત્રાસદાયક બનાવે છે, જેનાથી ભ્રષ્ટાચાર વધવાની આશંકા છે.
​​​​​​​
કિસાન સંગઠનોએ સંયુક્ત રીતે સરકારને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, વીજલાઈનોના કારણે નુકસાન પામેલી જમીનોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી મૂલ્યાંકન કરી ખેડૂતોને તુરંત યોગ્ય અને બજાર કિંમત મુજબનું વળતર ચૂકવવામાં આવે. જો વહીવટીતંત્ર આંખ આડા કાન કરવાનું ચાલુ રાખશે, તો જામનગર જિલ્લાના ખૂણે-ખૂણેથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવશે અને મોરબી જેવું જ વ્યાપક આંદોલન અહીં પણ ફાટી નીકળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News