જામનગર જીઆઇડીસીમાં ચાર સ્ક્રેપ પેઢીમાં સતત ત્રીજા દીવસે એસજીએસટીની તપાસ
દરેડ ફેસ-૩માં ચાર ટીમ દ્વારા હજુ કાર્યવાહી પૂર્ણ ન થતાં મસમોટી વેરાચોરી ખૂલવાની શકયતા
શંકાસ્પદ અને વાંધાજનક સાહીત્ય કબ્જે કરાયું: અગાઉના દરોડના કનેકશનની પણ ચર્ચા
જામનગરની દરેડ જીઆઇડીસી ફેસ-૩માં એસજીએસટીની ચાર ટીમ દ્વારા સ્ક્રેપની ચાર પેઢીમાં સતત ત્રીજા દીવસે એસજીએસટીનહી તપાસ યથાવત હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દરેડ ફેસ-૩માં ચાર ટીમ દ્વારા હજુ કાર્યવાહી પૂર્ણ ન થતાં મસમોટી વેરાચોરી ખૂલવાની શકયતા નકારી શકાતી નથી. દરોડા દરમ્યાન જીએસટીના તપાસનીશ અધિકારીઓએ શંકાસ્પદ અને વાંધાજનક સાહીત્ય કબ્જે કર્યાનું તો અગાઉના દરોડના કનેકશનની પણ ચર્ચા ચાલી રહી છે.
જીએસટી કૌંભાડના હબ બનેલા જામનગરમાં એસજીએસટીની ચાર ટીમ ગુવારે દરેડ જીઆઇડીસી ફેસ-૩માં ભંગારની પેઢીઓમાં દરોડા પાડયા હતાં. અગાઉના એક કૌંભાડના અનુસંધાને સંલગ્ન ચાર ૫ેઢીઓમાં એસજીએસટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન એસજીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા પેઢીઓમાં ભંગારની ખરીદી અને વેંચાણના બીલ, હીસાબો અન્ય દસ્તાવેજો અને સાહીત્યની ચકાસણી કરી હતી. તપાસનો આ સીલસીલો શુક્રવારે યથાવત રહ્યો હતો. પરંતુ શનિવાર અને રવિવારની રજા હોવાથી બે દીવસના બ્રેક બાદ સોમવારે પણ ચારેય પેઢીઓમાં તપાસનો દૌર યથાવત હોવાનું જાણવા મળ્યું છે.
બીજી બાજુ તપાસ દરમ્યાન જીએસટીના અધિકારીઓએ શંકાસ્પદ સાહીત્ય અને દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સતત ત્રીજા દીવસે તપાસ અવિરત રહેતા વધુ એક વખત મસમોટું જીએસટીનું કૌંભાડ ખુલાવની શકયતા પણ સૂત્રોએ વ્યકત કરી છે. પરંતુ દરોડાની આ કાર્યવાહી અંગે સ્થાનીક કે એસજીએસટીના અધિકારીઓ દ્રારા કોઇ સતાવાર માહીતી જાહેર કરવામાં આવી નથી.આથી અનેક સવાલ અને ચર્ચાઓએ જોર પકડયું છે. ટૂંકાગાળામાં સ્ટેટ જીએસટીની ટીમો પુન: તપાસ અર્થે ભંગારની પેઢીઓમાં ત્રાટકતા જામનગરમાં હજુ પણ બેફામ જીએસટી ચોરી થઇ રહી હોવાનું ફલીત થયું છે.