જામનગર: કાલાવડમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભવ્ય છાત્રાલયનું ભૂમિપૂજન
દીનદયાળ પોર્ટ, કંડલાના ત્રણ તબક્કામાં કુલ રૂ. ૩.૫૦ કરોડના અનુદાનથી છાત્રાલયનું નિર્માણ થશે
જામનગર જિલ્લાના કાલાવડ ખાતે સ્વ. રામજી ડાયા સોમૈયા શ્રી કાલાવડ તાલુકા મેઘવાળ સેવા સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કાલાવડ શીતળા દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભવ્ય છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ માટે દીનદયાળ પોર્ટ, કંડલા તરફથી ત્રણ તબક્કામાં કુલ રૂ. ૩.૫૦ કરોડનું અનુદાન પ્રાપ્ત થનાર છે.
આ છાત્રાલયનું ભૂમિપૂજન તા. ૨૪/૧૦/૨૦૨૬ના રોજ કચ્છના ત્રિકમ સાહેબ આશ્રમના મહંત શ્રી ભરતદાસ બાપુ તથા જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિનાં ચેરપર્સન લક્ષ્મીબહેન વારસકિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
છાત્રાલય માટે અનુદાન મેળવવામાં મહંત ભરતદાસ બાપુ, ગાંધીધામ–કચ્છના ભાણજીભાઈ રાઠોડ અને રામજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, દલિત સમાજના પ્રમુખ પ્રવિણભાઈ વઘોરા તેમજ મગનભાઈ વઘોરા, રામજીભાઈ મુછડીયા અને દેવશીભાઈ રાખશીયા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. આ આગેવાનો ભૂમિપૂજન પ્રસંગે પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અનુદાન મેળવવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં સાંસદ પૂનમબહેન માડમ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
ભૂમિપૂજન પ્રસંગે ડૉ. જિગ્નેશ સોલંકી, નાથાભાઈ વારસકિયા, મગનભાઈ ચંદ્રપાલ, જીવણભાઈ સોલંકી, લક્ષ્મણભાઈ વઘોરા, લક્ષ્મણભાઈ ચાવડા, રમેશભાઈ સોલંકી, નાથાભાઈ બાબરીયા, તરુણ ચૌહાણ, સુરેશ શુકલ, જે. પી. મારવીયા, અભિષેક પટવા, હસમુખભાઈ વોરા તેમજ દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણ અને રહેવાની સુવિધા માટે ઉપયોગી બનનાર આ છાત્રાલયના નિર્માણમાં સહયોગ આપવા બદલ સમગ્ર દલિત સમાજે દીનદયાળ પોર્ટ, કંડલા તથા સહયોગી સાંસદો, ધારાસભ્ય અને તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.