BREAKING NEWS

જામનગર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ભવ્ય ઉજવણી માટે કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ તૈયારીઓ

  • August 10, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ભવ્ય ઉજવણી માટે કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ તૈયારીઓ

તા.૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના દરેક ગામ અને ઘર સુધી પહોંચશે તિરંગો ; શાળા-કોલેજોમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે

જિલ્લાના તમામ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની ભાવના વ્યક્ત કરવા કલેક્ટરનો અનુરોધ

આઝાદીના અમૃતકાળની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં તા. ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા, તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રગૌરવની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી સમગ્ર ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો અને ૧,૨૦૦થી વધુ તિરંગા યાત્રાઓ યોજવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.

આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં અભિયાનને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટરે  જામનગર જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સાથે પ્રભાતફેરી, દેશભક્તિ ગીત, નિબંધ, વક્તૃત્વ, ચિત્રકલા સહિતની વિવિધ સ્પર્ધાઓ તેમજ તિરંગા યાત્રાઓનું આયોજન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.તમામ તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારોને તાલુકા અને ગામડાંના અંતિમ છેવાડા સુધી રાષ્ટ્રધ્વજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી દરેક ઘર પર આદરપૂર્વક તિરંગો લહેરાય તે માટે જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું.

જિલ્લાના નાગરિકો, સ્વસહાય જૂથો, યુવા મંડળો, સામાજિક સંસ્થાઓ, વેપારી મંડળો અને વિવિધ સંગઠનો આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાય તેમજ પોતાના ઘર, દુકાન, સંસ્થા અને સરકારી-ખાનગી ઈમારતો પર ભારતના રાષ્ટ્રધ્વજનું ગૌરવપૂર્વક ધ્વજારોહણ કરે તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવા પણ સૂચના આપવામાં આવી હતી.

અભિયાન દરમિયાન તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાશે, જેમાં દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ તમામ વિભાગીય અધિકારીઓને પરસ્પર સંકલન અને સુચારૂ આયોજન સાથે કાર્ય કરી ‘હર ઘર તિરંગા’ અભિયાનને જામનગર જિલ્લામાં લોકભાગીદારીનું પ્રેરણાદાયી અભિયાન બનાવવાની તાકીદ કરી હતી. તેમણે જિલ્લાના તમામ નાગરિકોને પણ આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની ભાવના વ્યક્ત કરવા અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application