BREAKING NEWS

દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

  • August 01, 2026 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગે પશ્ચિમ ભારતમાં વરસાદી ગતિવિધિ તેજ બનવાની કરેલી આગાહીનો શુક્રવારે સચોટ અણસાર જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સપ્તાહભર ધોધમાર વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે. ગઈકાલે સાંજથી શરૂ થયેલી મેઘમહેર આજે સવારે પણ યથાવત રહેતા સૌરાષ્ટ્ર-કચ્છના 90માંથી 85 તાલુકામાં ઝાપટાથી લઈને ધોધમાર વરસાદ નોંધાયો હતો. બીજી તરફ સમગ્ર ગુજરાતના 34 જિલ્લાઓના કુલ 267 તાલુકામાંથી 255 તાલુકામાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નદીઓ-ચેકડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે અને ખેતી માટે પણ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે.


ગઈકાલે સવારે શરૂ થયેલી વરસાદી ગતિવિધિ દરમિયાન ભાવનગર જિલ્લામાં પાલિતાણા અને ભાવનગરમાં સાડા ત્રણથી ચાર ઇંચ, બોટાદ જિલ્લામાં સાડા ત્રણ ઇંચ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, સાયલા, ચૂડા અને વઢવાણ પંથકમાં અઢીથી સાડા ત્રણ ઇંચ તેમજ અમરેલી જિલ્લાના લાઠી સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો.


વરસાદી માહોલ આજે સવારે પણ યથાવત રહેતા સવારે 6થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં 88 મી.મી., વઢવાણમાં 65 મી.મી., મોરબીમાં 41 મી.મી., ટંકારામાં 37 મી.મી., રાજકોટ જિલ્લાના પડધરીમાં 15 મી.મી., ધ્રોલમાં 15 મી.મી., કુંકાવાવ-વડિયામાં 14 મી.મી., રાણપુરમાં 14 મી.મી. સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 66 તાલુકામાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


ગઈકાલે સવારે શરૂ થયેલા વરસાદના 24 કલાકના આંકડા મુજબ ભાવનગર જિલ્લામાં પાલિતાણામાં 100 મી.મી., ભાવનગરમાં 86, મહુવામાં 83, સિહોરમાં 82, વલ્લભીપુરમાં 79 અને ઉમરાળામાં 72 મી.મી. વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લામાં ગઢડામાં 98 અને બોટાદમાં 90 મી.મી., સુરેન્દ્રનગર જિલ્લામાં લખતરમાં 87, સાયલામાં 80, ચૂડામાં 78 અને વઢવાણમાં 70 મી.મી. વરસાદ વરસ્યો હતો.


અમરેલી જિલ્લામાં લાઠીમાં 70, બાબરામાં 67 અને અમરેલીમાં 65 મી.મી., રાજકોટ જિલ્લામાં જસદણમાં 38, કોટડા સાંગાણી તથા વિંછીયામાં 31-31, ગોંડલમાં 29 અને રાજકોટ શહેરમાં 18 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નીચા દબાણની સિસ્ટમ અને સક્રિય મોનસૂન ટ્રફના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના હોવાથી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.


ધોરાજી પાસેના ભાદર-2 ડેમનો એક દરવાજો ખોલાયો

વરસાદના લીધે પાણીની આવક વધતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર 2 ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. આ સાથે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

ધોરાજી તાલુકાના ભોળા, ભલ ગામડા, છાડવાવદર, સુપેડી, જયારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, ચિખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગઢા, ગાંદોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નિલાખા, તલગાણા, ઉપલેટામાં એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બિલડી, ચૌટા, છત્રાવા, કટવાણા, કુતિયાણા, માંડવા, પસવારી, રોઘડા, સેગ્રાસ, થાપડા માણાવદર, ચીલોદરા, રોઘડા, વડાસડા, વેકરી પોરબંદર, ચીકાસા, ગારેજ, મિતરાળા, નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. ડેમની પૂર્ણ જળસપાટી 53.1 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 52.5 મીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક 673 ક્યુસેક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application