જામનગર જિલ્લાના લાલપુરમાં નીકળી વિશાળ ખેડુત આક્રોશ રેલી: આવેદનપત્ર પાઠવાયું
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, જિલ્લા પ્રમુખ વસરામભાઇ રાઠોડ સહિત બહોળી સંખ્યામાં માલધારીઓ અને ખેડુતો જોડાયા: સૌની યોજનાનું પાણી અને રાહતદરે ઘાસચારો આપવા માંગ
જામનગર જિલ્લાના લાલપુર ખાતે આજે સવારે ૧૧ વાગ્યે આમ આદમી પાર્ટીના લાલપુર-જામજોધપુરના ધારાસભ્ય અને ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ હેમંત ખવાની અધ્યક્ષતામાં એક વિશાળ ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં લાલપુર અને જામજોધપુર તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો તથા માલધારીઓ પોતાના હક્કની માંગણીઓ સાથે જોડાતાં વિરોધનો બુલંદ અવાજ ગૂંજી ઉઠ્યો હતો.
લાલપુર તાલુકા પંચાયત કચેરી ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પ્રાંત કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન ખેડૂતો અને માલધારીઓએ જય જવાન, જય કિસાન, હમારી માંગે પૂરી કરો, જળ વિના જીવન નહીં, અન્ન વિના ખેડૂત નહીં, ખેડૂતોની ખુશાલી, ખેતર સુધી પાણી, અને અમારી માંગ માલધારીઓ અને પશુપાલકોને રાહત દરે ઘાસ આપો સરકાર જેવા આકરા બેનરો અને હોર્ડિંગ્સ સાથે તંત્ર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ લાલપુર અને જામજોધપુર તાલુકાની ગંભીર પરિસ્થિતિ છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ થવાના કારણે આ વિસ્તારના ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર નાખીને કરેલું વાવેતર પાણીના અભાવે સુકાઈ રહ્યું છે, જ્યારે ઘણા ગામોમાં હજુ વાવણી પણ થઈ શકી નથી. ખેડૂતોની મુખ્ય ફરિયાદ એ છે કે લાલપુર અને જામજોધપુર તાલુકામાંથી જ સૌની યોજનાની લિંક-૧ અને લિંક-૩ ની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે, છતાં પોતાના જ ઘરઆંગણેથી પસાર થતી લાઈન હોવા છતાં સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી.
આક્રોશ રેલીના અંતે પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે જેમાં સૌની યોજનાનું પાણી તાત્કાલિક છોડવું: લિંક-૧ અને લિંક-૩ માંથી લાલપુર-જામજોધપુરના ગામડાઓમાં સિંચાઈનું પાણી તુરંત છોડવામાં આવે જેથી સુકાતો પાક બચાવી શકાય અને બાકી રહેલી વાવણી પૂર્ણ થઈ શકે.
તદઉપરાંત માલધારીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા: ઓછો વરસાદ થતાં પશુધન બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મફત અથવા રાહતદરે ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવે. સરકારી ગોડાઉનમાં ઘાસ સડી જતું હોવા છતાં વિતરણ ન કરાતું હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તેમજ નવા વાલ્વ માટે ટેકનિકલ સર્વે: વર્ષ ૨૦૧૨ માં જાહેર થયેલી સૌની યોજનાના ૧૪ વર્ષ પછી પણ ઘણા ગામો સિંચાઈથી વંચિત છે. આથી, વંચિત રહેલા અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે નવા વાલ્વ મુકવા માટે તાત્કાલિક ધોરણે ટેકનિકલ સર્વે કરાવવામાં આવે.
પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાની સાથે જ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે એક દિવસીય પ્રતિક ભૂખ હડતાલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય હેમંત ખવા અને ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા આ વ્યાજબી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.