ખંભાળિયા: ફક્ત પુસ્તકો જ નહીં, વિચારોનું પ્લેટફોર્મ એટલે ગ્રંથાલય
જામખંભાળિયા ખાતેના સરકારી જિલ્લા ગ્રંથાલયમાં વિવિધ ભાષા, સાહિત્ય સહિતના ૧૯ હજાર કરતા વધારે પુસ્તકો ઉપલબ્ધ - ગ્રંથપાલ હેમંત ડાંગર
જિલ્લા સરકારી ગ્રંથાલય ખાતે મેટ્રો શહેરમાં જેવી લાઇબ્રેરી સુવિધાઓ હોય તે પ્રકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે - હિરેન પરમાર
સરકારી જિલ્લા ગ્રંથાલયમાં ૨૭૦૦ જેટલા સભ્યો ; મહિલા, બાળકો, વયોવૃધો અને પુરુષો માટે અલગ વિભાગની સુવિધા
પુસ્તકોએ માત્ર માહિતીનો સ્ત્રોત પૂરતા સીમિત નથી, પરંતુ તે વ્યક્તિના વિચારો, કલ્પનાશક્તિ, ભાષાકૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિયમિત વાંચનથી નવીન વિચારોને વેગ મળે છે અને જીવનને સમજવાની દૃષ્ટિ વધુ વ્યાપક બને છે. આજના ડિજિટલ યુગમાં મોબાઇલ, સોશિયલ મીડિયા અને વિવિધ ડિજિટલ માધ્યમો આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે. માહિતી મેળવવા માટેના સાધનોમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે પણ પુસ્તકનું મહત્વ યથાવત્ રહ્યું છે. પુસ્તક વાંચન વ્યક્તિને એકાગ્રતા, ચિંતન અને આત્મમંથન માટે જરૂરી સમય આપે છે. નિયમિત વાંચનની ટેવથી ભાષાકૌશલ્ય, શબ્દભંડોળ, તાર્કિક વિચારશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે.
પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નાગરિકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું પણ સુદ્રઢ આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અદ્યતન સરકારી જિલ્લા ગ્રંથાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સરકારી જિલ્લા ગ્રંથાયલના ગ્રંથપાલ હેમંત ડાંગરે જણાવ્યું હતું કે, જેમ અન્ન એ શરીરનો ખોરાક છે, તેવી જ રીતે મનનો ખોરાક છે પુસ્તક. પુસ્તક વાંચનથી આપણા વિચારોમાં શુદ્ધી આવે છે. સારા પુસ્તકો વ્યક્તિના વિચારોને નવી દિશા આપે છે. આર્થિક રીતે સશક્ત હોવા કરતાં સારા પુસ્તકોના જ્ઞાની હોવું વધારે હિતાવહ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાઓ પોતાના અને કૌશલ થકી ઉન્નત સિદ્ધિઓ હાંસલ કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લાના મુખ્યમથક જામખંભાળિયા ખાતે ત્રણ માળના અદ્યતન સરકારી જિલ્લા ગ્રંથાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા દ્વારા જામખંભાળિયા ખાતેના સરકારી જિલ્લા ગ્રંથાલયમાં વિવિધ ભાષા, સાહિત્ય સહિતના ૧૯ હાજર કરતા વધારે પૂસ્તકો ઉપલબ્ધ છે. તદ્ઉપરાંત, પુસ્તકાલયમાં પુરૂષ, મહિલાઓ અને બાળકો માટે અલગ અલગ વાંચનાલય વિભાગ, પુસ્તક આપ લે વિભાગ, ગ્રંથભંડાર જેવા વિભાગો કાર્યરત છે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ ઇન્ટરનેટ માધ્યમથી પોતાની તૈયારીને વધુ સારી રીતે કરી શકે તે માટે ઇન્ટરનેટ તથા ઇ લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ વિધાર્થીઓ સાંપ્રત સમયની ઘટનાઓથી રોજબરોજ માહિતગાર થાય તે માટે ૦૮ જેટલા દૈનિક તથા ૨૭ જેટલા સામયિકો ગ્રંથાલયમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પણ વિધાર્થીઓની તૈયારીની ચકાસણી થાય તે માટે સમયાંતરે મોક ટેસ્ટ, માર્ગદર્શન સેમીનારનું પણ આયોજન કરવામાં આવે છે. જિલ્લાવાસીઓને વધુમાં વધુ ગ્રંથાલય લાભ લે તે માટે અનુરોધ કરું છે.
ગ્રંથાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થી હિરેનભાઈ પરમારે પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા સરકારી ગ્રંથાલય ખાતે મેટ્રો શહેરમાં જેવી લાઇબ્રેરી સુવિધાઓ હોય તે પ્રકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે પ્રકારના વાતાવરણની જરૂરિયાત હોય તેવું જ વાતાવરણ અહીં ઉપલબ્ધ છે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંદર્ભ પુસ્તકો પણ ઉપલબ્ધ છે જે અમને ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે.
અન્ય એક વિધાર્થિનીએ સુવા નમ્રતાએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, હું છેલ્લા એક મહિનાથી લાઇબ્રેરી ખાતે વાંચન કરવા આવું છું. અહિયાંનું વાતાવરણ એકદમ સારું છે જેના પરિણામે વાંચન કરવામાં એકાગ્રતા જળવાઈ રહે છે. ઉપરાંત, અહીંયાં મેનેજમેન્ટ પણ ખૂબ સારું છે અને સ્વચ્છતા પણ જળવાઈ રહે છે.
આમ, પુસ્તક સાથેનો સંબંધ વ્યક્તિને સતત શીખવાની પ્રેરણા આપે છે. એક સારું પુસ્તક ક્યારેક જીવન પ્રત્યેનો અભિગમ બદલી શકે છે, નવી દિશા બતાવી શકે છે અને મુશ્કેલ સમયમાં માર્ગદર્શક બની શકે છે. તેથી જ પુસ્તકને માનવીનો સાચો મિત્ર માનવામાં આવે છે.