ભાદરવો નહીં વરસે તો ૨૦ દી બાદ જામનગર સંપૂર્ણ નર્મદા નીરના ભરોસે..!
જામનગરમાં ચાલુ વર્ષે ચોમાસાના વિધિવત આગમનના ૩ મહીના પૂર્ણ થવા છતાં અપૂરતા વરસાદના કારણે જિલ્લાના ૨૫ માંથી ૧૪ જળાશય ખાલીખમ હોય જળસંકટ ધેરૂં બની રહ્યું છે. ખાસ કરીને જામનગર શહેરને પાણી પુંરૂ પાડતા રણજીતસાગરમાં ૧૫ થી ૨૦ દીવસ અને સસોઇ ડેમમાં સપ્તાહની જળરાશી ઉપલબ્ધ છે. જયારે ઉંડ-૧ અને આજી-૩ ડેમમાં નર્મદાના નીરની આવક ચાલુ છે. આથી જો ભાદરવો ભરપૂર નહીં વરસે તો ૨૦ દીવસ બાદ જામનગરમાં પાણી વિતરણ માટે સંપૂર્ણ રીતે એટલે કે સૌની યોજના અને પાઇપલાઇન દ્વારા આવતા નર્મદાના નીર એકમાત્ર આધાર રહેશે. હાલમાં તો શહેરમાં પાણી વિતરણ માટે મહદઅંશે ડેમમાં સૌની યોજના હેઠળ ઠલવાતા અને પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર મેળવી ગાડું ગબડાવામાં આવી રહ્યું છે.
જામનગરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૧૫ જૂન પછી ચોમાસાનું વિધિવત આગમન થયું હતું. પરંતુ મેઘરાજા રીસાયા હોય તેમ ચોમાસાના ત્રણ મહીના વીતી જવા છતાં હજુ શહેર-જિલ્લામાં પૂરતો વરસાદ થયો નથી. ગત વર્ષની સાપેક્ષમાં હજુ વરસાદની ૬૦ ટકાથી વધુની ઘટ પ્રર્વતી રહી છે. આથી ૧૭ સપ્ટેમ્બરની સ્થિતિએ જિલ્લાના ૨૫ પૈકી ૧૪ જળાશય તળિયાઝાટક છે તો બાકીના ૧૧ માંથી ફકત ઉંંડ-૪માં ૩૫.૩૭ ટકા અને અન્ય ૧૦ ડેમમાં ૩૦ ટકાથી ઓછી જળરાશી ઉપલબ્ધ છે. આથી જો ભાદરવો ભરપૂર નહીં વરસે તો જામનગરમાં પાણી વિતરણ માટે નર્મદાના નીર એકમાત્ર આધાર રહેશે. કારણ કે, ૧૭ સપ્ટેમ્બરની સ્થિતિએ જામનગર શહેરને પાણી પુરૂ પાડતા રણજીતસાગર ડેમમાં ૧૫ થી ૨૦ દીવસ, સસોઇ ડેમમાં સાતેક દીવસની જળરાશી હોવાનું મનપાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલે જણાવ્યું હતું. જયારે ઉંડ-૧ અને આજી-૩ ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરની આવક ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, જામનગર શહેરમાં હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ માટે દૈનીક ૧૪૭ થી ૧૫૦ એમએલડી પાણીની જરૂરિયાત છે. જે પૈકી રણજીતસાગર ડેમમાંથી ૪૦, સસોઇ ડેમમાંથી ૨૫, ઉંડ-૧માંથી ૩૫ અને આજી-૩ ડેમમાંથી ૪૦ મળી કુલ ૧૪૦ એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.જયારે બાકીનું ૮ થી ૧૦ એમએલડી નર્મદાના નીર પાઇપલાઇન દ્વારા મેળવવામાં આવી રહ્યું છે. આથી જો ભાદરવો ભરપૂર નહીં વરસે અને જળાશયો નહીં ભરાય તોે વીસેક દીવસ બાદ જામનગર શહેરને પાણી વિતરણ માટે સંપૂર્ણપણે એટલે કે સૌની યોજના અને પાઇપલાઇન મારફત આવતા નર્મદાના નીર એકમાત્ર આધાર રહેશે તેમાં બેમત નથી.