જામનગરમાં શ્રાવણી લોકમેળામાં મહાપાલીકાના સફાઇ કર્મચારીઓએ રંગ રાખ્યો હતો. ૩૦ કર્મચારીએ દરરોજ રાત્રીના ૧૨ થી સવારે ૮ વાગ્યા સુધી કામગીરી કરી મેદાન સ્વચ્છ રાખ્યું હતું. આ કામગીરી લોકમેળો માણવા આવનાર લોકોએ બિરદાવી હતી.
જામનગરમાં ચાલુ વર્ષે મહાનગરપાલીકા દ્વારા પ્રદર્શન મેદાનમાં ૧૧ દીવસ શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે જુદી-જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રદર્શન મેદાન સ્વચ્છ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી. જે અંતર્ગત ૩૦ સફાઇ કર્મચારીઓએ જેટલા દીવસ મેળો ચાલ્યો તેટલા દીવસ રોજ રાત્રીના ૧૨ થી સવારે ૮ વાગ્યા સુધી સફાઇ કામગીરી કરી મેદાન ચોખ્ખું ચણાંક રાખ્યું હતું. અત્રે નોંધનીય છે કે, શ્રાવણી લોકમેળો માણવા માટે લાખોની જનમેદની ઉમટી પડી હતી. આથી મેદાનમાં પ્લાસ્ટીક સહીતનો કચરો વધુ થાય તે સ્વાભાવિક છે. પરંતુ મનપાના સફાઇ કર્મચારીઓએ રોજ રાત્રીના સફાઇ કરી મેદાન સ્વચ્છ રાખ્યું હતું. આથી બીજા દીવસે મેળો માણવા આવનાર લોકને કોઇ હાલાકી પડે નહીં. સફાઇકર્મચારીઓની આ કામગીરીને મેળો માણવા આવનાર લોકોએ બિરદાવી હતી. આટલું જ નહીં મેળામાં સ્ટોલ રાખનાર વેપારી અને રાઇડસધારકોએ પણ સફાઇ કર્મચારીઓની આ કામગીરીની પ્રશંસા કરી હતી.