જામનગર: એક જ મિલકતના બે અલગ વ્યક્તિઓ જોગ વેચાણ દસ્તાવેજ મામલે ફોજદારી ફરીયાદનો હુકમ
પ્રોસેસ ઇસ્યુ કરવાનો જામનગરની અદાલતે કર્યો આદેશ
જામનગરમાં ગુલાબ નગર પાસે આવેલ સ્થાવર મિલકતના માલિક ગંગદાસ નારણભાઈ પટેલે સાલ ૨૦૦૫ માં તેના પુત્ર અશોક પટેલ જોગ વેંચાણ દસ્તાવેજ કરી આપેલ.
દરમિયાનમાં ગંગદાસ પટેલ ખૂબ જ વૃદ્ધ ઉંમરનાં હોય - ૯૬ વર્ષના હોય તથા ગંભીર રીતે બીમાર હોય, સભાન અવસ્થામાં ન હોય તેનો ગેરલાભ લઈ અજીત ચંદ્રકાંત રાજપરા કે જે ગંગદાસ પટેલના દીકરીના દીકરા થતાં હોય તથા જે તે વખતે તેની સાથે રહેતા હોય તેનો ગેરલાભ ઉઠાવી તથા અગાઉ આજ મિલકતનો અશોક પટેલ જોગ વેંચાણ દસ્તાવેજ થયેલ હોવાનું જાણતા હોવા છતાં તેમજ વેચનાર સહી કરવા સક્ષમ ન હોય તથા વેચનારનું બોગસ આધારકાર્ડ બનાવી તથા પાનકાર્ડ હોવા છતાં ફોર્મ નંબર ૬૦ ભરેલ તથા બોગસ બનાવટી દસ્તાવેજો ના આધારે ગંગદાસ નારણભાઈ મિલકતના માલિક ન હોવા છતાં ગેરકાયદેસર રીતે એક જ મિલકતનો બીજી વખત ગુજરનાર મનજી માવજી જોગ વેંચાણ દસ્તાવેજ બનાવી લીધેલ તથા તેમાં આરોપીઓએ એકબીજાને મદદગારી કરેલ તે મતલબની ફરિયાદ ફરિયાદી અશોક પટેલ દ્વારા પ્રથમ પોલીસ સમક્ષ કરવામાં આવેલ પરંતુ પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ પગલાં ન લેવામાં આવતા અશોક પટેલ દ્વારા જામનગર ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવેલ તથા અદાલત દ્વારા પોલીસ પાસે પોલીસ રિપોર્ટ માંગવામાં આવેલ.
આ કેસમાં પોલીસ દ્વારા બે અલગ અલગ પોલીસ રિપોર્ટ રજૂ થયેલ, પ્રથમ પોલીસ રિપોર્ટ મુજબ ગુનો નથી બનતો તેવો રિપોર્ટ જાહેર કરવામાં આવેલ જ્યારે કે બીજી વખતના પોલીસ રિપોર્ટ મુજબ એક જ વ્યક્તિ દ્વારા એક જ મિલકતના બે અલગ અલગ વ્યક્તિઓ જોગ વેચાણ દસ્તાવેજ થયેલ છે માટે ગુનો બનેલ છે તેવો રિપોર્ટ પોલીસ દ્વારા નામ. કોર્ટમાં રજૂ કરવામાં આવેલ.
આમ પોલીસ રિપોર્ટ કોર્ટના રેકર્ડ ઉપર રજૂ થયા બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા દલીલો કરવામાં આવેલ કે ફરિયાદી જોગ સાલ ૨૦૦૫ માં કાયદેસર રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ ગંગદાસ પટેલે કરી આપેલ હોય તેમ છતાં તેજ મિલકતનો બીજી વખત વેચાણ દસ્તાવેજ ઉપરોક્ત વિગતે છેતરપિંડી થી ગેરકાયદેસર રીતે કરી - કરાવી લઈ ગંભીર ગુનાઓ કરેલ છે.
ફરિયાદીના એડવોકેટ ની દલીલો માન્ય રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૪, ૧૧૪, ૧૨૦(બી), ૧૯૨, ૧૯૩, ૩૮૩, ૩૮૪, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ વિગેરે મુજબ ફરિયાદ દાખલ કરી પ્રોસેસ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે એડવોકેટ કિશોર ડી. ભટ્ટ, પાર્થ જે. મોદી, રજની પી. ગોસાઈ રોકાયેલ હતા.