જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આણદાબાવા સેવા સંસ્થામાં આશ્રિત બાળકો અને વડીલો સાથે ધુળેટીની અનોખી ઊજવણી
જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાના પ્રત્યેક તહેવારોની ઉજવણી ગરીબ અનાથ તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવાર વગેરે સાથે કરતા આવે છે, જેના ભાગરૂપે આજે ધુળેટીનું પર્વ જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં અભ્યાસ કરતા મુક-બધીર તથા અન્ય દિવ્યાંગ બાળકોની સાથે રહીનેજ ધૂળેટીનું પર્વ મનાવી વધુ એક વખત પોતાની સંવેદનશીલતાની અનુભૂતિ કરાવી હતી.
જામનગર શહેર ભાજપ ધારાસભ્ય દિવ્યેશ અકબરી કે જેઓ ધારાસભ્ય બન્યા બાદ પોતાના પરિવાર તેમજ વિશાળ મિત્ર વર્તુળ વગેરે ને છોડીને છેલ્લા ૩ વર્ષ થી ધુળેટીનું પર્વ દિવ્યાંગ બાળકો સાથે જ ઉજવતા આવે છે, જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રાખી છે.
જામનગર શહેરમાં આવેલા આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે રહીને ધુળેટીનું પર્વ મનાવી અને મુક બધિર બાળકોના જીવનમાં ધુળેટીના રંગ સાથે આનંદ અને પ્રેરણાના રંગો ભરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો તેમજ લોકોને હોળી ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી.