જામનગરવાસીઓ સાવધાન, તહેવાર ટાંણે ૩૫૩ કીલો વાસી જથ્થો મળ્યો..!
જન આરોગ્ય પર ખતરો: મહાનગરપાલીકાની ફુડ શાખાનું ચેકીંગ, ૧૪૭ કીલો પ્રીન્ટેડ પસ્તી અને ૫ એકસપાયરી પેકેટનો નાશ કરાયો
૧૪ પેઢીને રૂ.૨૨૫૦૦નો દંડ ફટકારાયો:૧૪૬ નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણમાં મોકલાયા: દહીંનો નમૂનો સબસ્ટાર્ન્ડડ નીકળતા કેસ કરાયો
જામનગરમાં સાતમ-આઠમના તહેવારો ટાંકણે શહેરની ૧૫૨ પેઢીમાંથી ૩૫૩ કીલો વાસી જથ્થો મળી આવતા શહેરીજનોએ સાવધાની રાખવી જરી બની છે. મહાનગરપાલીકાની ફુડ શાખાના ચેકીંગમાં ૧૪૭ કીલો પ્રીન્ટેડ પસ્તી અને ૫ એકસપાયરી પેકેટનો નાશ કરાયો હતો. ૧૪ પેઢીને ા.૨૨૫૦૦નો દંડ ફટકારાયો હતોા. ૧૪૬ નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે. દહીંનો નમૂનો સબસ્ટાર્ન્ડડ નીકળતા કેસ કરાયો છે.
જામનગરમાં જન આરોગ્ય સાથે થઇ રહેલા ચેડાને નાબૂદ કરવા મનપાના કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ફુડ શાખાએ વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. તપાસ દરમિયાન કુલ ૧૫૨ પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં અનહાઇજેનિક સ્થિતિમાં મળી આવેલ કુલ ૩૫૩ કિલો વાસી જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક્સપાયરી ડેટવાળા પાંચ પેકેટ તથા ૧૪૭ કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નાશ કરવામાં આવ્યો હતો. મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા ગોકુલનગર, જકાતનાકા, જનતા ફાટક, વિરલ બાગ, જોગર્સ પાર્ક, હોસ્પિટલ રોડ, જૂના રેલવે સ્ટેશન, ખંભાળિયા ગેઇટ, ખોડિયાર કોલોની, પટેલ કોલોની, વિકાસગૃહ રોડ, લીમડા લાઇન, શરુ સેક્શન રોડ, પી.એન. માર્ગ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક, બેડી-ઢીંચડા રોડ, દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ સુધીના વિસ્તાર ઉપરાંત ગુલાબનગર, રાજપાર્ક, લાલવાડી અને હાપા સહિતના વિસ્તારોમાં આવેલા ખાદ્ય ધંધાના એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અનહાઇજેનિક પ્રેક્ટિસ તથા વાસી ફૂડ મળી આવતા કુલ ૧૪ પેઢીઓને રૂ.૨૨,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તપાસ દરમિયાન કુલ ૧૩૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે ઢીંચડા ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે વધુ સાત નમૂનાઓ વડોદરા ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એક ડેરીમાંથી લેવામાં આવેલ દહીંનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં એડજ્યુડિકેટિંગ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે એક પ્રીમાઇસીસમાં લાયસન્સ વિના ધંધો કરતા હોવાનું જણાતા નિયમ મુજબ ગુનો દાખલ કરી એડજ્યુડિકેટિંગ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે.
મનપા દ્વારા ખરાબ તેલની વાસ અંગેની ફરિયાદોના અનુસંધાને તેમજ ન્યુસન્સ ન થાય તે માટે યોગ્ય નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ખાદ્ય ધંધાર્થીઓને સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવા, હાઇજેનિક કન્ડિશન મેઇન્ટેન રાખવા, ચીઝ, બટર અને પનીરના બિલ ફાઇલમાં રાખવા તેમજ નિયમોનું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે. શહેરની વિવિધ શાળાઓ તેમજ શાળાઓની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી પાણી તથા ખાદ્યપદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી, ઢીંચડા ખાતે મોકલવામાં આવ્યા છે.