જામનગર: રતનબાઇ મસ્જિદ પાસે બે દિવસ ઉજવાશે જશ્ન-એ-ઈદે મિલાદુન્નબી
મોટી સંખ્યામાં આશિકે રસુલ ઉમટી પડશે, હુસેની ચોક ખાતે આયોજન
કાયનાતની મખલુક માટે અને ખાસ કરીને વિશ્વભરના સુન્ની મુસ્લિમો માટે ખુશીનો સૌથી મોટો અવસર એટલે જશ્ને ઈદે મિલાદુન્નબી, મુસ્લિમો માટે આનાથી મોટી બીજી કોઈ ઈદ નથી કારણ કે ૧૨ રબીઉલ અવ્વલની વહેલી સવારે નબીઓના ઇમામ, સરવરે કાયનાત, આકાએ નામદાર, રહેમતી આલમીન, સરકાર-એ-દો આલમ, આ દુનિયામાં જલવા અફરોઝ થયા હતા અને આ સાથે જ આખી કાયનાતના અંધારા દૂર થયા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના પગલે જામનગરમાં પણ ઈદે મિલાદની આન બાન, શાનથી આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી રહી છે, સુન્ની મુસ્લિમોના ઘરો પર, મસ્જિદો પર રોશનીનો શણગાર કરવામાં આવેલ છે, ખુશીના સૌથી મોટા અવસરને અદભુત આનંદ સાથે ઉજવવાની તૈયારીઓ થઈ ગઈ છે.
આમ તો ચારે કોર ઈદ મિલાદની ઉજવણીના કાર્યક્રમો થશે ત્યારે અહીંની રતનબાઇ મસ્જિદ પાસે બે દિવસ સુધી જશ્ને ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવશે, તા.૨૪/૮ સોમવાર અને તા.૨૫/૮ મંગળવારના રોજ રતનબાઇ મસ્જિદ હુસેની ચોક ખાતે રાત્રે ઈશાની નમાઝ બાદ ૧૦:૩૦ કલાકથી ૧૨:૩૦ કલાક સુધી ઈદે મિલાદની શાનદાર, જાનદાર અને ઈમાન અફરોઝ સાથે યાદગાર ઉજવણી કરવામાં આવશે.
આ તકે સરકાર -એ -દોઆલમની શાનમાં ખલીફા એ તાજુશ્શરીયાહ, હઝરત અલ્લામા મૌલાના, જુમા મસ્જિદના પેશ ઇમામ સુલેમાન બરકાતી સાહેબ પોતાના મખસુસ અંદાજમાં તકરીર ફરમાવશે, જો વરસાદ પડે તો રતનબાઇ મસ્જિદની અંદર ઈદે મિલાદની ઉજવણી થશે તેમ હુસેની વાઇઝ કમિટીની યાદીમાં જણાવવામાં આવેલ છે, સરકારની શાનમાં થનારી ઉજવણીમાં ખૂબ મોટી સંખ્યામાં આશીકે રસુલ ઉમટી પડશે કારણ કે મુસ્લિમો માટે ઈદે મિલાદ સૌથી મોટી ઈદ અને સૌથી મોટી ખુશીનો અવસર છે.